જેસલમેરના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મળી આવ્યા ૫૦૦ ગાયોના સડી ગયેલા મૃતદેહ, લોકોમાં ભારે રોષ

27 May, 2026 03:00 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

આ બાબતને ગંભીરતાથી લેતાં જેસલમેરનાં જિલ્લા-કલેક્ટર અનુપમા જોરવાલે અધિકારીઓ પાસે અહેવાલ માગ્યો છે.

ગાયોના સડી ગયેલા મૃતદેહ

રાજસ્થાનના જેસલમેર શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં કચરાના ડમ્પિંગ યાર્ડમાંથી ૫૦૦થી વધુ મૃત ગાયોના સડી ગયેલા મૃતદેહ મળી આવતાં લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટનાએ ગૌસંરક્ષણ અને સરકારી વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. 

સુધરાઈનું ડમ્પિંગ યાર્ડ જેસલમેર જિલ્લા મુખ્યાલયથી લગભગ ૭ કિલોમીટર દૂર રામગઢ રોડ પર આવેલું છે. રવિવારે એક વિડિયો સામે આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહ ખુલ્લામાં પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને ગાયપ્રેમીઓનો આરોપ છે કે લાંબા સમયથી મૃત પ્રાણીઓનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નહોતો, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જેસલમેર સુધરાઈએ મૃત પ્રાણીઓના નિકાલનું કામ એક અધિકૃત કૉન્ટ્રૅક્ટરને સોંપ્યું હતું, પરંતુ સમયસર કાર્યવાહીના અભાવે મોટી સંખ્યામાં મૃતદેહ એકઠા થતા રહ્યા હતા. વિડિયો વાઇરલ થયા પછી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી શરૂ થઈ છે.

આ બાબતને ગંભીરતાથી લેતાં જેસલમેરનાં જિલ્લા-કલેક્ટર અનુપમા જોરવાલે અધિકારીઓ પાસે અહેવાલ માગ્યો છે. સુધરાઈના કમિશનર લાજપાલ સિંહ સોઢાએ પણ તાત્કાલિક નોંધ લઈને સંબંધિત કૉન્ટ્રૅક્ટરને નોટિસ જાહેર કરીને સ્પષ્ટતા માગી છે. સુધરાઈનું કહેવું છે કે મૃત પ્રાણીઓને હવે ડમ્પિંગ યાર્ડમાંથી દૂર કરીને એનો નિકાલ કરવામાં આવ્યો છે.

કૂવો ખોદવાનું ચાલતું હતું ત્યારે માટી ધસી પડતાં પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યો 

મધ્ય પ્રદેશનાં અનેક અંતરિયાળ ગામોમાં પાણીની ભારે અછતને કારણે પ્રશાસને તાત્કાલિક ધોરણે કૂવા ખોદવાનું કામ હાથ ધર્યું હતું. જોકે પન્ના જિલ્લાના અજયગઢ ક્ષેત્રમાં એક કૂવાના ખોદકામ દરમ્યાન મોટો અકસ્માત થઈ ગયો હતો. કૂવો ખોદવા માટે પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કૂવાની આસપાસની માટી ધસી પડતાં અંદર પાંચ મજૂરો દટાઈ ગયા હતા. તાત્કાલિક JCB મશીનો અને ગ્રામીણોએ આસપાસની જગ્યા ખોદીને મજૂરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઈને બચાવી શકાયા નહોતા. 

national news india jaisalmer wildlife Crime News rajasthan