16 December, 2025 09:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધુમ્મસમાં ગરકાવ દિલ્હીનો વિજય ચોક વિસ્તાર.
ગઈ કાલે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હોવાથી ઓછામાં ઓછી ૬૮ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી અને લગભગ ૬૦ ટ્રેનો મોડી પડી હતી. દિલ્હીમાં લીઅનલ મેસીનો કાર્યક્રમ પણ ગાઢ ધુમ્મસને કારણે પ્રભાવિત થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી અને ગંભીર વાયુપ્રદૂષણને કારણે દિલ્હીમાં રોડ-ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં રહેવાસીઓને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
ફુટબૉલ દિગ્ગજ લીઅનલ મેસીના GOAT ઇન્ડિયા ટૂરનો અંતિમ તબક્કો ગઈ કાલે નવી દિલ્હીમાં થવાનો હતો, એને પણ અસર થઈ હતી કારણ કે મુંબઈથી ટીમની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે મોડી પડી હતી.
દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર પ્લસ શ્રેણીમાં સરકી ગયો, જે ૪૫૬ના આંકને પાર કરી ગયો હતો. ગઈ કાલે વહેલી સવારે અશોક વિહારમાં ૫૦૦નો AQI નોંધાયો હતો. - બે પોલીસ સહિત ૪ લોકોએ જીવ ગુમાવ્યો
ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક પછી એક વીસથી પચીસ વાહનો ટકરાયાં હતાં જેમાં બે પોલીસ સહિત ૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ધુમ્મસને લીધે ઓછી વિઝિબિલિટીના કારણે એક્સપ્રેસવે પર પહેલાં બે ટ્રક વચ્ચે મોટો અકસ્માત થયો હતો. ત્યાર બાદ આ ટ્રકોની સાથે જામફળ ભરેલી એક ટ્રક અથડાઈ હતી અને એ ઊંધી વળી ગઈ હતી. એને પરિણામે એક્સપ્રેસવે પર જામફળ વેરાયાં હતાં અને રોડ એકદમ સ્લિપરી થઈ ગયો હતો એટલે બ્રેક ન લાગવાથી વાહનોની ટક્કર થવા લાગી હતી. થોડી જ વારમાં વીસથી પચીસ વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં.