રામ મંદિરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહસચિવે ભેટ ધરેલી ૮૦૦ ગ્રામ સોનાની રામચરિતમાનસ ગાયબ

05 July, 2026 07:45 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ચંપત રાયે હું જેમ ધારીશ એમ જ થશે એમ કહીને એસ. લક્ષ્મીનારાયણને ધુત્કારી કાઢ્યા અને રસીદ આપવાનો પણ ઇનકાર કર્યો હોવાનો આરોપ

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહસચિવ એસ. લક્ષ્મીનારાયણ

અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહસચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટીભર્યા નવા આક્ષેપથી ચકચાર મચી છે. ૧૯૭૦ના બૅચના ભૂતપૂર્વ IAS ઑફિસરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમણે મંદિરને ભેટમાં આપેલી આશરે સવા ક્વિન્ટલ વજનની ૮૦૦ ગ્રામ સોનું જડેલી અત્યંત કીમતી શ્રી રામચરિતમાનસ પોથી મંદિરમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે પોતાની સ્વર્ગસ્થ માતાના દાગીના ઓગાળીને આ વિશેષ પોથી પર ગોલ્ડપ્લેટિંગ કરાવ્યું હતું અને ૨૦૨૪ની ૮ એપ્રિલે સ્થાનિક પોલીસની મદદથી એને સ્થાપિત કરી હતી, પરંતુ થોડા મહિના પછી એ અદૃશ્ય થઈ ગઈ હતી.

ભૂતપૂર્વ ગૃહસચિવે પોતાની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ મામલે જ્યારે તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો સંપર્ક કર્યો ત્યારે તેમનું વલણ અત્યંત ઉપેક્ષાભર્યું હતું અને તેમણે ધમકાવવાના સૂરમાં કહ્યું હતું કે હું જે ધારીશ એ જ થશે, તમે જાઓ. લક્ષ્મીનારાયણે આ અંગે ૫૦ જેટલા વૉટ્સઍપ મેસેજ અને ૧૨ પત્ર લખ્યા હોવા છતાં તેમને કોઈ સંતોષકારક જવાબ કે દાનની કાયદેસર રસીદ પણ મળ્યાં નથી.

                  

national news india ram mandir religious places Crime News ayodhya