19 April, 2026 10:41 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનારી ૭ મહિલાઓ.
તામિલનાડુના સેલમ જિલ્લામાં સેલમ-કોઇમ્બતુર નૅશનલ હાઇવે પર રાજ્ય પરિવહન નિગમની બસ અનેક વાહનો સાથે અથડાયા બાદ નીચે ખાબકતાં ઓછામાં ઓછા ૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ કેરલમના શિક્ષકો હતા. આ બસ કોઇમ્બતુરથી સેલમ જઈ રહી હતી અને હાઇવે પર અનેક હેરપિન વળાંકમાં તેરમા હેરપિન બૅન્ડ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ અચાનક રસ્તા પરથી ઊતરીને ટૂ-વ્હીલર અને રિક્ષા સાથે અથડાઈ હતી, જેમાં લગભગ ૧૦ મુસાફરો હતા અને ત્યાર બાદ નવમા હેરપિન વળાંક પર નીચે ખાબકી હતી.
બસ કેરલમના ૧૩ પ્રવાસીઓને લઈ જઈ રહી હતી. આ ૧૩માંથી ૮ વ્યક્તિઓ (એક પુરુષ અને ૭ સ્ત્રીઓ)નાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પાંચ ઘાયલોમાં ડ્રાઇવર અને ૧૭થી ૧૮ વર્ષની વયના બે ટીનેજરો અને બે સ્ત્રીઓનો સમાવેશ થાય છે. પોલાચીની સરકારી હૉસ્પિટલમાં એક ઘાયલે છેલ્લા શ્વાસ લીધા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો
આ ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. કેરલમના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પણ જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.