Haldia Refinery Fire: હલ્દિયા રિફાઇનરીમાં ભીષણ આગ- અનેક લોકો દાઝ્યા, રેલસેવા પણ ખોરવાઇ

30 June, 2026 02:27 PM IST  |  West Bengal | Gujarati Mid-day Online Correspondent

Haldia Refinery Fire: પશ્ચિમ બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં મંગળવારે વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો. નેફ્થાનું વહન કરતી મુખ્ય પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી.

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં મંગળવારે વહેલી સવારે મોટો અકસ્માત (Haldia Refinery Fire) સર્જાયો. નેફ્થાનું વહન કરતી મુખ્ય પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. પાઇપલાઇન પાસે કામ કરી રહેલા અનેક કારીગરો આ આગમાં દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, રિફાઇનરીની ઇમરજન્સી ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું. આગ પર કાબૂ મેળવવા માટે તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમયસર બચાવ કામગીરી શરૂ થતાં આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ ભભૂકી

આ ઘટના (Haldia Refinery Fire) મંગળવારે વહેલી સવારે 4થી 4:30 વાગ્યાની વચ્ચે બની હતી. આ અકસ્માત પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયા રિફાઇનરીમાં થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ નેફ્થાની સપ્લાય દરમિયાન મુખ્ય પાઇપલાઇનમાં અચાનક આગ લાગી ગઈ હતી. અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસ કામ કરી રહેલા અનેક કારીગરો આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના જોનારા લોકોના જણાવ્યા મુજબ, પાઇપલાઇનમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જેના કારણે ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગમાં અનેક કારીગરો દાઝ્યા, સારવાર ચાલુ

અકસ્માત (Haldia Refinery Fire) બાદ ફેક્ટરીનું મેનેજમેન્ટ, સ્થાનિક લોકો અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હલ્દિયા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ આગની ઘટનામાં લગભગ 15 કર્મચારીઓ દાઝ્યા છે. તેમાંથી કેટલાક કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી ઇજાગ્રસ્તોની સત્તાવાર સંખ્યાની પુષ્ટિ કરી નથી.

રેલવે ટ્રેક નજીક આગ લાગતાં ટ્રેન સેવા પર અસર

Haldia Refinery Fire: આગ રેલવે ટ્રેકની એકદમ નજીક લાગી હતી. સુરક્ષાના કારણોસર હલ્દિયા-હાવડા રેલવે રૂટ પર ટ્રેનોની અવરજવર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે સવારે હલ્દિયાથી હાવડા જતી લોકલ ટ્રેન સમયસર રવાના કરવામાં આવી નહોતી. તેના કારણે હલ્દિયા, પાસકુંડા અને હાવડા વચ્ચે દરરોજ મુસાફરી કરતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે સ્તિથિ સંપૂર્ણ સુરક્ષિત બન્યા બાદ જ ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવશે.

આગ કેવી રીતે લાગી? કારણ હજુ અકબંધ

ફેક્ટરી મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે. શરૂઆતની તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઘટના એવા વિસ્તારમાં બની છે, જ્યાં પહેલા નેફ્થાની કથિત ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તપાસમાં પાઇપલાઇનમાં ટેક્નિકલ ખામી, ગેસ લિકેજ અથવા અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને કંપનીએ શું કહ્યું?

રિફાઇનરી મેનેજમેન્ટે આ ઘટના (Haldia Refinery Fire)ની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા ઇજાગ્રસ્ત કર્મચારીઓને શ્રેષ્ઠ સારવાર આપવાની અને તમામ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. કંપનીના જણાવ્યા મુજબ, નિષ્ણાતોની ટેક્નિકલ ટીમ અકસ્માતનું સાચું કારણ શોધવામાં લાગી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ આગ લાગવાનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ પહેલાં પણ અહીં બની ચૂક્યો છે મોટો અકસ્માત

હલ્દિયા રિફાઇનરીમાં આ પહેલાં પણ ડિસેમ્બર 2021માં ભીષણ આગ લાગી હતી. તે અકસ્માતમાં 3 કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે 44 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ નવી ઘટના બાદ ફરી એકવાર રિફાઇનરીની સુરક્ષા વ્યવસ્થા અને ઔદ્યોગિક સલામતીના ધોરણો પર સવાલો ઉઠી રહ્યા છે.

west bengal fire incident national news indian railways india