મોદી કેબિનેટનો નિર્ણયઃ બેન્ક ડુબી જશે તો ખાતાધારકોને આટલા રૂપિયા મળશે પરત

28 July, 2021 06:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ બેન્ક ડુબી જશે તો થાપણદારોને તેમના નાણા પરત મળી શકશે. કેબિનેટ બેઠકમાં ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC)એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોઈપણ બેન્કના ડૂબવા પર વીમાના અંતર્ગત ખાતાધારકોને 90 દિવસની અંદર રૂપિયા મળી શકશે.

પંજાબ એન્ડ઼ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક(PMC)યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદના ચોમાસા સત્રમાં કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી હતી. નાણાં પ્રધાને જણાવ્યું  હતું કે આજની કેબિનેટ બેઠકમાં ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન બિલ 2021ની મંજૂરી આપવામાં આવી છે. આ બિલ કાયદો બન્યા બાદ વિવિધ બેન્કોના હજારો થાપણદારોને તાત્કાલિક રાહત મળશે.

ગત વર્ષે સરકારે બેન્ક ખાતાઓમાં થાપણો પરના વીમા કવચમાં પાંચ ગણો વધારો કરી પાંચ લાખ રૂપિયા કરી હતી. સરકારે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંકના ગ્રાહકોને ટેકો આપવા માટે વીમા કવચમાં વધારો કર્યો હતો. હાલની જોગવાઈ મુજબ કોઈપણ બેન્કનું લાઇસન્સ રદ થયા પછી અને ફડચાની પ્રક્રિયા શરૂ થયા પછી 5 લાખ રૂપિયા સુધીની થાપણો થાપણદારોને પરત કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીઆઇસીજીસી બેન્ક થાપણો પર વીમા કવચ પૂરા પાડે છે.

નાણાં મંત્રીના જણાવ્યા મુજબ આ બિલ અંતર્ગત કોઈપણ પ્રકારની કોમર્શિયલી ઓપરેટેડ તમામ બેન્કો આવી જશે, તે ગ્રામીણ બેન્ક કેમ ના હોય. નાણાંમંત્રીએ જણાવ્યું કે વીમા માટે પ્રીમિયમ બેન્ક આપે છે, ગ્રાહક નથી આપતો.

જાણો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શું કહ્યું

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપવા આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, "જો આરબીઆઈએ કોઈ પણ બેન્ક પર મોકૂફી લગાવી હોય તો લોકોને પૈસા પાછા મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો જોઇએ નહીં, આ થાપણ માટે વીમા શાખ ગેરંટી કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. આજે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે થાપણદારોને 90 દિવસમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પરત મળી જશે.

 

national news yes bank reserve bank of india nirmala sitharaman narendra modi