આંધ્ર પ્રદેશમાં પ્રચાર પડતો મૂકીને મહિલા ઉમેદવારે પહેલાં ગર્ભવતી સ્ત્રીની ડિલિવરી કરાવી

20 April, 2024 11:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશમાં લોકસભાની પચીસ અને વિધાનસભાની ૧૭૫ બેઠકોનું મતદાન ૧૩ મેએ થશે.

ડૉક્ટર

આંધ્ર પ્રદેશમાં એક ઉમેદવારે ચૂંટણીપ્રચાર કરવા જવાને બદલે એક મહિલાની ડિલિવરી કરાવવાના કાર્યને પ્રાધાન્ય આપ્યું હતું અને ડિલિવરી બાદ જ આ ઉમેદવાર પ્રચાર માટે નીકળી હતી. આ ઘટના પ્રકાશમ જિલ્લાના દારસી વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. તેલુગુ દેસમ પાર્ટી (TDP)ની ઉમેદવાર ગોટ્ટીપતિ લક્ષ્મી પોતે ડૉક્ટર છે અને રાજકીય પરિવારમાંથી આવે છે. તે પહેલી વાર ચૂંટણી લડી રહી છે. ગુરુવારે તે પ્રચાર કરવા માટે નીકળી રહી હતી ત્યારે એક ગર્ભવતી મહિલાને કસુવાવડ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની જાણકારી મળી હતી. આ મહિલાને ગુંટુરની હૉસ્પિટલમાં રિફર કરી દેવાઈ હતી, પણ તેનો જીવ જોખમમાં હોવાથી લક્ષ્મીએ પ્રચારકાર્ય બાજુએ રાખી હૉસ્પિટલ ભણી દોટ મૂકી હતી અને વેન્કટ રામન્ના નામની મહિલાની ડિલિવરી કરાવી હતી. ડૉ. લક્ષ્મીએ જણાવ્યું હતું કે મા અને બાળકની તબિયત સારી છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની પચીસ અને વિધાનસભાની ૧૭૫ બેઠકોનું મતદાન ૧૩ મેએ થશે.

national news india andhra pradesh