પૅન અને મતદાતા ઓળખપત્ર જેવા ૧૫ ડૉક્યુમેન્ટ્સ આપવા છતાં આસામના શ્રમિકને વિદેશી જાહેર કરાયો

06 July, 2026 09:08 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે ફૉરેનર્સ ટ્રિબ્યુનલના અગાઉના આદેશને યથાવત્ રાખતાં શ્રમિકની રિટ પિટિશન ફગાવી દીધી હતી

પ્રતીકાત્મક તસવીર

પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે ૧૫ અલગ-અલગ દસ્તાવેજો રજૂ કરવા છતાં આસામના એક શ્રમિકને ગુવાહાટી હાઈ કોર્ટે વિદેશી જાહેર કર્યો હતો. હાઈ કોર્ટે ફૉરેનર્સ ટ્રિબ્યુનલના અગાઉના આદેશને યથાવત્ રાખતાં શ્રમિકની રિટ પિટિશન ફગાવી દીધી હતી. સાથે અવલોકન કર્યું હતું કે અરજદાર દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ કાયદાકીય રીતે અમાન્ય અથવા અપૂરતા છે. આ શ્રમિકે પોતાની નાગરિકતાના સમર્થનમાં ૧૯૫૧ના નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના દસ્તાવેજો ૧૯૬૬થી અત્યાર સુધીના વોટર લિસ્ટ, ૧૯૭૩ના જમીનના દસ્તાવેજ, PAN કાર્ડ અને વોટર ID સહિત પિતાની મૌખિક જુબાની રજૂ કરી હતી, પરંતુ કોર્ટે આ તમામ પુરાવાઓને નકારી કાઢ્યા હતા.

હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદાર દ્વારા રજૂ કરાયેલો ૧૯૫૧નો NRC રેકૉર્ડ માત્ર એક કમ્પ્યુટર જનરેટેડ સ્ટેટમેન્ટ હતું, જે ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ની જરૂરી કલમ મુજબના સર્ટિફિકેટ વિના રજૂ કરાયો હોવાથી એની કોઈ કાનૂની કિંમત નથી. આ ઉપરાંત રજૂ કરાયેલા વોટર લિસ્ટમાં પરિવારના સભ્યોની ઉંમરમાં ભારે વિસંગતતાઓ જોવા મળી હતી અને નદીના ધોવાણને કારણે વારંવાર થયેલા સ્થળાંતરના દાવા વચ્ચે તેમનાં નામ અલગ-અલગ ૩ ગામોમાં નોંધાયેલાં હતાં, જેમની વચ્ચે કોઈ કાયદેસરનું જોડાણ સ્થાપિત થઈ શક્યું નહોતું. 

અરજદારના અન્ય મહત્ત્વના દસ્તાવેજો પણ અધૂરા પુરાવાને કારણે રદ કરવામાં આવ્યા છે. સ્કૂલના પ્રમાણપત્રના સમર્થનમાં કોર્ટ સમક્ષ મુખ્ય શિક્ષકની જુબાની કે સ્કૂલ-રજિસ્ટર રજૂ કરાયું નહોતું, જ્યારે ૧૯૭૩ના જમીનના દસ્તાવેજોમાં વંશાવલીની કડી સ્પષ્ટ થતી નહોતી. કોર્ટે પુનઃ સ્પષ્ટ કર્યું છે કે PAN કાર્ડ કે વોટર ID એ નાગરિકતાના આખરી પુરાવા નથી. 

national news india assam indian government Aadhaar