29 October, 2025 11:56 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
હિમંતા બિસ્વા
જે વ્યક્તિ એકથી વધુ મહિલા સાથે લગ્ન કરશે, તે ભલે કોઈ પણ ધર્મની કેમ ન હોય, તેણે સાત વર્ષ જેલમાં રહેવું પડશે
૨૫ નવેમ્બરે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા બહુવિવાહ પર પ્રતિબંધ લાદતો આવો ખરડો રજૂ કરવાના છે
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ ૨૫ નવેમ્બરે રાજ્યમાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવા માટેનું બિલ રજૂ કરશે. એમાં કોઈ પણ ધર્મની વ્યક્તિ જો એક કરતાં વધુ મહિલા સાથે લગ્ન કરશે તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. ગયા અઠવાડિયે મળેલી કૅબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે બહુવિવાહ, લવજેહાદ અને ચાના બાગોની વધારાની જમીન મજૂરોમાં વહેંચવા વિશેનો ખરડો બનાવવાનો નિર્ણય કર્યો હતો. બહુવિવાહ વિરોધી કાનૂનના પ્રસ્તાવિત ખરડા અંતર્ગત જો કોઈ વ્યક્તિ છૂટાછેડા આપ્યા વિના બીજાં લગ્ન કરશે તો તેને સાત વર્ષ કે એનાથી વધુની કેદની સજા થશે.
આ પ્રસ્તાવિત પ્રાવધાનો અંતર્ગત રાજ્યમાં માત્ર મોનોગામી એટલે કે એક જ વ્યક્તિ સાથે લગ્ન થાય અને લૈંગિક સમાનતા જળવાય એ ઉદ્દેશ છે. હિમંતા સરમાએ કહ્યું હતું કે ‘આ કાયદો લાવીને લોકોમાં લૈંગિક સમાનતા જાળવવા ઉપરાંત મહિલાઓના અધિકારો, તેમની રક્ષા અને લગ્નસંબંધની પવિત્રતાને બરકરાર રાખવાનો પ્રયત્ન છે. આ કાયદો દરેક નાગરિક પર લાગુ થશે, ચાહે તે કોઈ પણ ધર્મનો હોય. કોઈ લોકો કહી શકે છે કે તેમનો ધર્મ એકથી વધુ લગ્નની પરવાનગી આપે છે, પરંતુ અમે અહીં એની પરવાનગી નહીં આપીએ. આ કાયદાથી સામાજિક અનુશાસન સ્થાપિત થશે અને રાજ્યને એકસમાન સામાજિક સંસ્કૃતિ સાથે આગળ વધારી શકાશે. અમે બાળવિવાહ પર પહેલેથી જ કડક વલણ દાખવ્યું છે અને બે વર્ષમાં ૮૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.’
જો આ ખરડો કાયદો બની જશે તો આસામ ભારતનાં એ ગણ્યાંગાંઠ્યાં રાજ્યોમાંનું એક બનશે જ્યાં બહુવિવાહને અપરાધ માનવામાં આવે છે.