07 April, 2025 08:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સંસદનાં બેઉ ગૃહોમાં મંજૂર કરવામાં આવેલા વક્ફ (સુધારણા) ઍક્ટની બંધારણીય માન્યતાને પડકારતી એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એ ધાર્મિક સંપ્રદાયના ધર્મના મામલામાં અને કાર્યોનું સંચાલન કરવાના અધિકારોમાં ઘૂસણખોરી સમાન છે. કેરલાના સુન્ની મુસ્લિમ વિદ્ધાનો અને મૌલવીઓના ધાર્મિક સંગઠન સમસ્ત કેરલા જમિયાતુલ ઉલેમા દ્વારા આ નવી અરજી દાખલ કરવામાં આવી છે. ઍડ્વોકેટ ઝુલ્ફિકાર અલી પી. એસ. દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સુધારા વક્ફના ધાર્મિક કૅરૅક્ટરને વિકૃત કરશે અને વક્ફ અને વક્ફ બોર્ડના વહીવટમાં લોકશાહી પ્રક્રિયાને પણ ઉલટાવી ન શકાય એવી રીતે નુકસાન પહોંચાડશે. શનિવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નવા કાયદાને મંજૂરી આપી દીધી હતી.