ચિત્રકૂટમાં મંદાકિની નદીના પૂરમાં ફસાયેલા પૂજારીએ ભગવાનને એકલા મૂકીને જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

04 September, 2026 03:06 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

વહીવટી તંત્ર અને પોલીસે હાથ જોડીને વિનંતી કરી છતાં આખી જિંદગી પ્રભુભક્તિમાં વિતાવનાર પૂજારી પોતાની આસ્થા પર અડગ રહ્યા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મંદાકિની નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન રામઘાટના બડા મઠમાં એક અલગ જ વિવાદ સામે આવ્યો હતો. જિલ્લા કલેક્ટર પુલકિત ગર્ગ અને પોલીસ-અધિકારી અરુણ કુમાર સિંહ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા હતા ત્યારે એક પૂજારી પૂજા કરી રહ્યા હતા. અધિકારીઓએ તેમને હાથ જોડીને સુર​િક્ષત સ્થળે ખસી જવા વિનંતી કરી હતી, પરંતુ પૂજારીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.
પૂજારીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે પોતાની આખી જિંદગી ભગવાનનાં ચરણોમાં વિતાવી છે અને હવે આ મુશ્કેલ સમયમાં તેઓ ભગવાનને એકલા છોડીને ક્યાંય નહીં જાય. અધિકારીઓએ ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો કે પૂરનું પાણી વધશે તો જીવને ખતરો ઊભો થશે, પરંતુ પૂજારી પોતાની આસ્થા પર અડગ રહ્યા અને કહ્યું કે ભગવાનની જેવી ઇચ્છા હશે એવું જ થશે.

national news india uttar pradesh Weather Update