02 April, 2026 12:13 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાનપુર પોલીસે કિડની વેચવાનું રૅકેટ ચલાવતા પાંચ ડૉક્ટરોની ધરપકડ કરી હતી.
૪૦-૫૦ ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હોવાની શક્યતા : દિલ્હી, મુંબઈ, કલકત્તા, નેપાલ સુધી ફેલાયેલું હતું કૌભાંડ
કાનપુરમાં એક સ્ટુડન્ટે કિડની વેચી હતી, પણ તેને જે રકમની ખાતરી આપવામાં આવી હતી એના કરતાં ૫૦,૦૦૦ રૂપિયા ઓછા મળતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ તપાસમાં કાનપુર પોલીસે કરોડો રૂપિયાના ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાડમાં પાંચ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આ ડૉક્ટરો સાવ સસ્તા દરે લોકો પાસેથી કિડની ખરીદીને ૬૦થી ૯૦ લાખ રૂપિયામાં વેચતા હતા.
આ કૌભાડમાં વિદેશીઓ સહિત ઓછામાં ઓછા ૪૦ લોકો પર ગેરકાયદે સર્જરી કરવામાં આવી હતી. બિહારના સમસ્તીપુરના આયુષ ચૌધરી નામના માસ્ટર ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) સ્ટુડન્ટે પોલીસને કિડની રૅકેટ વિશે જાણકારી આપી હતી. મેરઠમાં ભણતા આ વિદ્યાર્થીએ આર્થિક તંગીને કારણે આરોપીઓ સાથે પોતાની એક કિડની ૧૦ લાખ રૂપિયામાં વેચવાનો સોદો કર્યો હતો. જોકે તેણે આરોપ લગાવ્યો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેને ફક્ત ૯.૫ લાખ રૂપિયા મળ્યા હતા, જે નક્કી રકમ કરતાં ૫૦,૦૦૦ રૂપિયા ઓછા હતા.
ઓછા પૈસા મળવાથી ગુસ્સે થઈને તેણે પોલીસને ફોન કર્યો હતો. જેમ-જેમ તપાસ શરૂ થઈ અને હકીકત સામે આવતી ગઈ એમ-એમ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં આઠમું ધોરણ પાસ ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર શિવમ અગ્રવાલ ટેલિગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને આર્થિક રીતે નબળા યુવાનોને કિડની વેચવા માટે લલચાવતો હતો. તે ગળામાં ડૉક્ટરોની જેમ સ્ટેથોસ્કોપ પણ લગાવતો હતો. આયુષ પણ તેની જાળમાં ફસાઈ ગયો હતો. આયુષની કિડની આરોપીએ મુઝફ્ફરનગરની દરદી પારુલ તોમરને વેચી હતી અને આ પરિવાર પાસેથી ૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસ અને આરોગ્ય વિભાગે સોમવારે મોડી રાત્રે કાનપુરમાં કલ્યાણપુર વિસ્તારની આહુજા હૉસ્પિટલ, પ્રિયા હૉસ્પિટલ અને મેડ લાઇફ હૉસ્પિટલમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. મેડ લાઇફ હૉસ્પિટલ રજિસ્ટ્રેશન વિના કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હૉસ્પિટલના પરિસરમાંથી આયુષ અને પારુલને પણ બહાર કાઢ્યાં હતાં. આયુષની હાલત ગંભીર હોવાથી તેને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પારુલને પણ બીજી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
પોલીસે આહુજા હૉસ્પિટલના માલિક ડૉ. સુરજિત સિંહ આહુજા, તેની પત્ની ડૉ. પ્રીતિ આહુજા, ડૉ. રાજેશ કુમાર, ડૉ. રામ પ્રકાશ, ડૉ. નરેન્દ્ર સિંહ અને શિવમ અગ્રવાલની પણ ધરપકડ કરી હતી. અન્ય ૪ ડૉક્ટરોની શોધ ચાલી રહી છે.
આ મુદ્દે પોલીસ-કમિશનર રઘુવીર લાલે કહ્યું હતું કે ‘આ રૅકેટ ફક્ત કાનપુરમાં જ સક્રિય નહોતું; પરંતુ એની લિન્ક દિલ્હી, મુંબઈ, કલકત્તા અને નેપાલ સાથે પણ હોઈ શકે છે. આ ડૉક્ટરોની ટીમે ૪૦થી ૫૦ ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હોવાનું માનવામાં આવે છે, જેમાં વિદેશીઓ પણ સામેલ છે. આ ડૉક્ટરો કિડનીદાતાની કિડની એક હૉસ્પિટલમાં કાઢતા હતા. કિડની-રિસીવરને બીજી હૉસ્પિટલમાં કિડની લગાવતા હતા અને કિડનીદાતાની સારવાર ત્રીજી હૉસ્પિટલમાં કરાવતા હતા. તેઓ કોઈ રેકૉર્ડ પણ રાખતા નહોતા.’