09 January, 2025 06:57 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
શહીદ પિતાને વિદાય આપતો બે મહિનાનો દીકરો
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા બસ્તર ફાઇટર્સના જવાન સુદર્શન વેટ્ટીના અંતિમ સંસ્કાર ગઈ કાલે દંતેવાડા જિલ્લાના ગુમલનાર ગામમાં કરવામાં આવ્યા હતા. આ સમયે તેના બે મહિનાના પુત્રએ પિતાને અંતિમ વિદાય આપી હતી. સુરક્ષા બળના જવાનોએ તેને આખરી સલામ આપી હતી. અંતિમ સંસ્કાર વખતે ગામમાં થતી ફેરાની પરંપરા નિભાવવામાં આવી હતી જેમાં શહીદ પિતાની ચિતા પરથી નવજાત શિશુને બે વાર ફેરવવામાં આવ્યું હતું. આ પાછળની માન્યતા એવી છે કે એમ કરવાથી શહીદ પિતાની વીરતા અને સાહસ નવજાતને મળશે. પિતાની ચિતા પરથી નવજાતના ફેરા લેવાની ક્ષણે આખું ગામ ભાવુક બન્યું હતું અને શહીદને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.