દેલવાડામાં ચોરીછૂપીથી પોતાના પગનો ફોટો પાડતા માણસને ખખડાવ્યો યુવતીએ, વિડિયો વાઇરલ

17 April, 2025 01:07 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

મંદિરની બહાર આ માણસનો સામનો કરી રહેલી આ યુવતીનો વિડિયો વાઇરલ થયો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલા દેલવાડાના જૈન મંદિરની બહાર પોતાનાં મમ્મી-પપ્પાની રાહ જોઈ રહેલી એક યુવતીના પગનો ફોટોગ્રાફ મંદિરની બહાર બેસેલા એક માણસે તેના મોબાઇલમાં ચોરીછૂપીથી પાડી લીધો હતો. આ યુવતીનું ધ્યાન તેના પર હોવાથી તે ઝડપાયો હતો. આ વૃદ્ધ માણસ તેને સતત ઘૂરી રહ્યો હતો અને તેથી અસ્વસ્થતા અનુભવી રહેલી આ યુવતી તેની પાસે ગઈ હતી અને તેના મોબાઇલ ફોનની ફોટો-ગૅલરી જોવાની માગણી કરી હતી, જેમાંથી આ યુવતીનો ફોટોગ્રાફ મળી આવ્યો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં આ યુવતી પેલા વૃદ્ધ માણસને સખતાઈથી પૂછે છે કે ‘અંકલ, આ શું છે? તમે શું કરો છો? શા માટે મારી તસવીર લો છો? શા માટે મારા પગની તસવીર લીધી છે? તમે મને ઘૂરી રહ્યા છો, તમને શરમ નથી આવતી?’ એ માણસે યુવતીની હાજરીમાં જ તેની ફોટો-ગૅલરીમાંથી ફોટોગ્રાફ ડિલીટ કરી દીધો હતો અને પછી ફોટો લીધો હોવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી આ યુવતી વધારે ગુસ્સે ભરાઈ હતી. તેણે કહ્યું હતું કે ‘એક લગાવું કે? તમે મંદિરમાં બેસીને મારા ફોટો ક્લિક કરી રહ્યા છો.’ તેણે આ માણસને બદમાશ કહ્યો હતો અને ગાળ આપી હતી. મંદિરની બહાર આ માણસનો સામનો કરી રહેલી આ યુવતીનો વિડિયો વાઇરલ થયો છે.

ચિંતાની વાત એ છે કે આ યુવતીને કોઈનો સાથ મળ્યો નહોતો. આસપાસ બેસેલા લોકોમાંથી કોઈએ તેને સાથ આપ્યો નહોતો. બધા એ રીતે બેસી રહ્યા હતા કે જાણે કંઈ થયું જ નથી. આ વિડિયો જોયા બાદ લોકોએ એ માણસ સામે પગલાં લેવાની માગણી કરી છે. 

national news india rajasthan Crime News