પંજાબમાં રાજકીય ગરમાટો : AAPના સંસદસભ્ય સંજીવ અરોરાને ત્યાં એક જ મહિનામાં બીજી વાર EDના દરોડા

10 May, 2026 12:07 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.

સંજીવ અરોરા

પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા રાજ્યસભાના સંસદસભ્ય સંજીવ અરોરાના નિવાસસ્થાને એક જ મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત દરોડા પાડવામાં આવતાં રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય એજન્સીની આ કાર્યવાહીને પગલે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મળતી માહિતી મુજબ EDની ટીમોએ શનિવારે વહેલી સવારે લુધિયાણાસ્થિત સંજીવ અરોરાના આવાસ સહિત અન્ય સંલગ્ન સ્થળોએ તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ ગયા મહિને તેમની પૂછપરછ અને સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા જમીનસોદામાં કથિત ગેરરીતિઓ અને મની લૉન્ડરિંગના આરોપોના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. જોકે એજન્સી દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આકરી પ્રતિક્રિયા

આ કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે ‘BJP આગામી ચૂંટણીઓથી ડરી ગઈ છે અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એક જ મહિનામાં બીજી વાર દરોડા એ સાબિત કરે છે કે આ તપાસ નથી પરંતુ રાજકીય કિન્નાખોરી છે. અમારા નેતાઓને ડરાવી શકાશે નહીં.’

અરવિંદ કેજરીવાલે પણ આ મામલે ટ્‍વીટ કરીને BJP પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ‘જ્યારે પણ BJP કોઈ રાજ્યમાં હાર ભાળે છે ત્યારે એ ED અને CBIને આગળ કરી દે છે. સંજીવ અરોરા કટ્ટર ઈમાનદાર નેતા છે અને આ દરોડામાં તેમને હેરાન કરવા સિવાય કશું જ હાંસલ થશે નહીં.’

national news aam aadmi party punjab enforcement directorate political news bhartiya janta party bjp bharatiya janata party