23 July, 2026 10:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અનીતા દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક પ્રમુખ અભિજિત દીપકેનાં મમ્મી અનીતા દીપકે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસની કાર્યવાહીના વિડિયો અને પુત્રના વિડિયો જોયા પછી ભાંગી પડ્યાં હતાં.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી વાત કરતાં અનીતા દીપકેએ કહ્યું કે ‘એ ખૂબ જ ખરાબ હતું. તેમણે લાઠીચાર્જ નહોતો કરવો જોઈતો. વિદ્યાર્થીઓ એક મહિનાથી ત્યાં બેઠા છે. મેં આજે મારા ફોન પર જોયું કે તેને ચક્કર આવી રહ્યાં હતાં. તેનો વિડિયો જોયા પછી હું રડવા લાગી. મેં ફોન પર જે જોયું એનાથી હું ખૂબ જ વ્યથિત હતી અને ઘટના પછી હું તેની સાથે વાત કરી શકી નહોતી.’
આ ઘટનાથી દીપકે પરિવારમાં જે સ્ટ્રેસ પેદા થયું એના વિશે પણ વાત કરતાં અનિતા દીપકેએ કહ્યું હતું કે ‘મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારો પુત્ર એક મોટા વિદ્યાર્થી-આંદોલનનો ચહેરો બનશે. તે એક સરળ વ્યક્તિ છે. તેણે આવું બધું કરવા માટે આટલું વૈભવી જીવન છોડી દીધું. મેં ગઈ કાલે મારો ફોન પણ જોયો નહોતો. તેના પિતાએ જોયું. તે ખૂબ જ સ્ટ્રેસમાં હતો. ગઈ કાલે જે બન્યું એ જોઈને તેના પિતાનું બ્લડપ્રેશર ઘટી ગયું હતું.’
અમેરિકાથી પાછા ફરવાના તેના નિર્ણયને યાદ કરતાં અનીતા દીપકેએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે અમેરિકામાં વધુ સારી સ્થિતિમાં હતો. મેં તેને કહ્યું હતું કે ત્યાં સારી નોકરી છોડીને અહીં આવવાથી કોઈ ફાયદો થશે નહીં, પરંતુ તેણે મારું કહ્યું સાંભળ્યું નહીં. એ સારું છે કે તે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવી રહ્યો છે, પરંતુ સરકાર તેની વાત સાંભળતી નથી. ’