લોકસભાની ચૂંટણીને કારણે કુલ નવ લાખ ટેમ્પરરી નોકરીઓ ઊભી થશે

23 April, 2024 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ૨ લાખ લોકોને નોકરી મળી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે એને લગતી પ્રવૃત્તિઓને કારણે ૯ લાખ ટેમ્પરરી નોકરીઓ ઊભી થવાની શક્યતા છે એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. છેલ્લા છ મહિનામાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બે લાખ જેટલી નોકરીની તકો સર્જાઈ હતી.

વર્ક ઇન્ડિયાના ચીફ એ​ક્ઝિક્યુટિવ ઑફિસર અને કો-ફાઉન્ડર નીલેશ ડુંગરવાલે જણાવ્યું હતું કે દેશભરમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમ્યાન ૯ લાખ નોકરીઓ ઊભી થવાની શક્યતા છે. આ સંખ્યા ઇલેક્શનનો સ્તર, મતદાનકેન્દ્રોની સંખ્યા અને ચૂંટણીસંબંધી પ્રવૃત્તિઓ પર આધારિત છે. ૨૦૧૯માં એમના પ્લૅટફૉર્મ પર અકાઉન્ટિંગ, બૅક ઑફિસ, ડિલિવરી, ડ્રાઇવર, ફીલ્ડ સેલ્સ, કન્ટેન્ટ રાઇટિંગ, મૅન્યુઅલ જૉબ્સ વગેરેમાં વધારો થયો હતો.

તેમણે ઉમેર્યું હતું કે મતદાનકેન્દ્ર અધિકારી, ઇલેક્શન ક્લર્ક, સુરક્ષાકર્મી, ડેટા એન્ટ્રી ઑપરેટર, ટ્રાન્સપોર્ટેશન કોઑર્ડિનેટર, વહીવટી સ્ટાફ ચૂંટણીની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ડેટા ઍનૅલિસિસ, પ્લાનિંગ, પબ્લિક રિલેશન્સ, માર્કેટ સર્વે, મીડિયા રિલેશન્સ, કન્ટેન્ટ ડિઝાઇન, કન્ટેન્ટ માર્કેટિંગ, સોશ્યલ મીડિયા માર્કેટિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટ્રૅટેજી અને પ્રોજેક્ટ મૅનેજમેન્ટ વગેરે ક્ષેત્રમાં લોકોની જરૂર પડે છે. 

national news Lok Sabha Election 2024 india