આતંકવાદ અને કોરોનાના જન્મદાતાને મોદીની ચીમકી

26 September, 2021 12:14 PM IST  |  New York | Agency

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતાં વડા પ્રધાને આડકતરા શબ્દોમાં પાકિસ્તાન અને ચીનની કરી ટીકા : આતંકવાદને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારાઓ પોતાને પણ નુકસાન પહોંચાડે છે

ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતાં પાકિસ્તાન અને ચીનની આકરી ટીકા કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે, પરંતુ સમજતા નથી કે આ એમના માટે પણ એટલું જ ખતરનાક છે. તાલિબાનના શાસનવાળા અફઘાનિસ્તાન વિશે વાત કરતાં મોદીએ કહ્યું હતું કે આ દેશની જમીનનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકવાદના ફેલાવા માટે ન થવો જોઈએ. વળી કોઈ દેશ ત્યાંની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને પોતાના હિત માટે એનો ઉપયોગ ન કરે એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. હાલ અફઘાનિસ્તાનની મહિલાઓ, બાળકો તેમ જ લઘુમતીને મદદની જરૂર છે. એમને સહાય કરવાની આપણી ફરજ છે. પાકિસ્તાન આતંકવાદીઓને પોતાને ત્યાં શરણ આપે છે એવું ભારત અને અમેરિકાના આરોપને પાકિસ્તાન જોકે હંમેશાં રદીયો આપતું આવ્યું છે. 
   પોતાના બાવીસ મિનિટના સંબોધન દરમ્યાન ચીનની ટીકા કરતાં ભારતે કોરોનાની ઉત્પ‌ત્ત‌િનો વિવાદાસ્પદ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એમણે કહ્યું હતું કે કોરોનાની ઉત્પ‌ત્ત‌િ તેમ જ ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રૅન્કિંગ જેવા મુદ્દાઓને કારણે વૈશ્વિક સંસ્થાઓની વિશ્વસનીયતાને મોટો ફટકો પડ્યો છે. કોરોનાની ઉત્પ‌ત્ત‌િ કુદરતી રીતે થઈ હતી કે લૅબોરેટરીમાંથી આ વાઇરસ લીક થયો આ મુદ્દે હજી પણ વિશ્વભરમાં અનેક મતમતાંતર પ્રવર્તે છે. 

મહત્ત્વના અંશો 

જ્યારે ભારતનો વિકાસ થાય છે, સમગ્ર વિશ્વનો વિકાસ થાય છે. ભારત સુધારાઓ કરે છે, સમગ્ર વિશ્વમાં ફેરબદલ જોવા મળે છે. 
અમારી લોકશાહીની એ શક્તિ છે કે રેલવે સ્ટેશન પર પિતાને ચા વેચવામાં મદદ કરનાર એક બાળક દેશના વડા પ્રધાન તરીકે ચોથી વખત સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યો છે. 
સરકારના વડા તરીકે મારા દેશની સેવા કરવામાં મારાં ૨૦ વર્ષ પૂરાં થશે, ગુજરાતના સૌથી લાંબા કાર્યકાળના મુખ્ય પ્રધાન તરીકે તેમ જ દેશના વડા પ્રધાન તરીકે ૭ વર્ષ. મારા અનુભવના આધારે એટલું જ કહી શકું કે લોકશાહી પરિણામ આપી શકે. 
છેલ્લાં ૭ વર્ષમાં ૪૩ કરોડ લોકોનાં બૅન્ક અકાઉન્ટ ખોલ્યાં છે, તો ૩૬ કરોડ લોકોના ઇન્શ્યૉરન્સ છે. 
દેશમાં ૫૦ કરોડ લોકોને હૉસ્પિટલમાં મફત સારવાર મળે છે. ૩ કરોડ લોકોને સારાં ઘર રહેવા માટે આપ્યાં છે. 
ભારતે ​વિશ્વની પહેલી ડીએનએ વૅક્સિન તૈયાર કરી છે, જે ૧૨ કરતાં વધુ વયના કોઈ પણ લોકોને આપી શકાય છે. અન્ય એક વૅક્સિન તૈયાર થઈ રહી છે. 
જેમને ભારતમાં વૅક્સિનનું ઉત્પાદન કરવું હોય એમને અહીં આવવાનું આમંત્રણ આપું છું.

national news narendra modi united nations