28 September, 2026 09:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રાજકારણમાં ચૂંટણી જીત્યા બાદ પક્ષ બદલવો એ કંઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) અને નૅશનલ ઇલેક્શન વૉચના વિશ્લેષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે ૧૧૧ વર્તમાન સંસદસભ્યો અને વિધાનસભ્યોએ ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો છે. એમાં ૨૬ લોકસભાના સંસદસભ્યો, ૭ રાજ્યસભાના સંસદસભ્યો અને ૭૮ વિધાનસભ્યો સામેલ છે.
પક્ષપલટાના ચોંકાવનારા આંકડા
કયા પક્ષને સૌથી વધુ ફાયદો? : પક્ષ બદલનારા ૧૧૧ નેતાઓમાંથી સૌથી વધુ ૩૨ નેતાઓ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)માં જોડાયા હતા. આ પછી ૨૯ નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં અને ૨૦ નેતાઓ નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)માં ગયા છે. કૉન્ગ્રેસને ૯ નેતાઓ મળ્યા છે.
BJPમાં સામેલ થયેલા નેતાઓ : BJPમાં સામેલ થયેલા ૨૯ નેતાઓમાં ૭ રાજ્યસભા સંસદસભ્યો અને બાવીસ વિધાનસભ્યો હતા. આ સાતેય રાજ્યસભાના સંસદસભ્યો અગાઉ આમ આદમી પાર્ટી (AAP)માંથી ચૂંટાયા હતા. આ ઉપરાંત ગોવાના ૮, ગુજરાતના ૪ અને હિમાચલ પ્રદેશના બે કૉન્ગ્રેસના વિધાનસભ્યો પણ BJPમાં જોડાયા હતા.
કયા પક્ષે સૌથી વધુ નેતાઓ ગુમાવ્યા? : નૅશનલિસ્ટ ડેમોક્રૅટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના પચીસ, તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના ૨૦ અને કૉન્ગ્રેસના ૧૯ સંસદસભ્યો-વિધાનસભ્યોએ પોતાનો પક્ષ છોડ્યો હતો.
કયા રાજ્યમાં સૌથી વધુ પક્ષપલટો? : રાજ્યવાર આંકડાઓ જોઈએ તો નાગાલૅન્ડ ૩૨ પક્ષપલટા સાથે સૌથી મોખરે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦, તેલંગણમાં ૯ અને ગોવા તથા પંજાબમાં ૮-૮ કિસ્સા પક્ષપલટાના નોંધાયા છે. બંગાળમાં TMCના ૨૦ લોકસભાના સંસદસભ્ય NCPIમાં જોડાયા હતા.
આ ગંભીર આંકડાઓને ધ્યાનમાં રાખીને ADR દ્વારા પક્ષપલટાના કાયદામાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે. સંગઠને સૂચન કર્યું છે કે ગેરલાયકાતના મુદ્દે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા સમયમર્યાદામાં નિર્ણય લેવાય અને પક્ષપલટો કરનાર નેતા ફરીથી ચૂંટાય નહીં ત્યાં સુધી તેને સરકારી હોદ્દો આપવા પર રોક લગાવવામાં આવે.