25 September, 2026 02:24 PM IST | srinagar | Gujarati Mid-day Correspondent
શીતલનાથ ભૈરવ મંદિર
શ્રીનગરમાં આવેલું સદીઓ જૂનું ઐતિહાસિક શીતલનાથ ભૈરવ મંદિર ૩૪ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આતંકવાદના દોર દરમ્યાન વર્ષ ૧૯૯૧ અને ૧૯૯૩માં આ મંદિરને આગ ચાંપી દેવામાં આવી હતી. હવે શ્રીનગર સ્માર્ટ સિટી હેરિટેજ રિવાઇવલ સ્કીમ હેઠળ આ મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતો માટે આ માત્ર પૂજાસ્થળ નથી, પરંતુ તેમની બાળપણની યાદો અને વતન વાપસીની આશાનું મોટું પ્રતીક છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ ડુલ્લુએ આ નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શીતલનાથ મંદિર શ્રીનગર શહેરની રક્ષા કરતાં ‘અષ્ટ ભૈરવ’ પૈકીનું એક છે. સરકારે સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ પ્રોજેક્ટ પૂરો કર્યો છે.
આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. ભૂતકાળમાં મહાત્મા ગાંધીએ પણ આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી અને આ મંદિરને શાંતિ તથા એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. અગાઉ અહીં જન્માષ્ટમી અને વસંત પંચમી જેવા તહેવારોની ભવ્ય ઉજવણી થતી હતી. દિલ્હીથી ખાસ દર્શન માટે આવેલા સ્થાનિક કાશ્મીરી પંડિતોએ આતંકવાદના જૂના ઘા ભૂલીને નવી શરૂઆતની ખુશી વ્યક્ત કરી હતી.