16 November, 2025 08:51 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ
બિહારમાં NDAના શાનદાર વિજય પછી BJPનું ધ્યાન હવે પશ્ચિમ બંગાળ તરફ ગયું છે, જ્યાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. BJPએ બંગાળમાં પણ આવાં જ પરિણામોનું પુનરાવર્તન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. એના જવાબમાં તૃણમૂલ કૉન્ગ્રેસે એક વ્યંગ્યાત્મક પોસ્ટ સાથે BJPની મહત્ત્વાકાંક્ષાની મજાક ઉડાવી છે.
બિહારનાં પરિણામો પછી તરત જ BJPના બંગાળ એકમે સોશ્યલ મીડિયા પર ટૂંકી પોસ્ટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ‘હવે પશ્ચિમ બંગાળ’.
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આ ભાવનાનો પડઘો પાડ્યો અને સૂચન કર્યું કે બંગાળ બિહારના વલણને અનુસરશે. જોકે તૃણમૂલ કૉન્ગ્રેસે આ પોસ્ટ સામે એક નાનકડા યુટ્યુબરનો વાઇરલ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહેતો જોવા મળે છે કે ‘સપને દેખના અચ્છી બાત હૈ’.
૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં બંગાળમાં BJPએ ૨૯૪માંથી ૭૭ બેઠકો જીતી હતી. ત્યારે તૃણમૂલ કૉન્ગ્રેસે ૨૧૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.