19 July, 2025 07:17 AM IST | Agra | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
આગ્રા (Agra News)માંથી દિલને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. તાજમહાલ પરિસરના પાર્કિંગ એરિયામાં માનવતાને બાજુમાં મૂકી દઈને એક ફૅમિલીએ પોતાના ઘરના વડીલને કારમાં ગોંધી રાખ્યા હતા. આ વડીલના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોએ કારમાં જોયું તો એક વડીલને ગોંધી રાખવામાં આવ્યા હતા. તરત લોકોએ કારના કાચ તોડીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યાં જ વડીલના ફૅમિલીવાળા પણ આવી ગયા હતા. અને વડીલને પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાના સાક્ષી રહેલા સ્થાનિક ટૂરિસ્ટ ગાઈડ મોહમ્મદ અસલમ જણાવે છે કે, કારમાં રહેલા વડીલ બંધાયેલા હતા. તેઓ બોલી પણ શકતા ન હતા. તેમના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા. હાલત ખૂબ જ ગંભીર હતી.
રિપોર્ટ પ્રમાણે આ કારની નંબર પ્લેટ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું હતું. કાર પર `મહારાષ્ટ્ર શાસન`નું સ્ટીકર જોવા મળ્યું હતું. કારના ઉપર મુલાકાતીઓના સામાનને બાંધવામાં આવ્યો હતો. એક ફૅમિલી મહારાષ્ટ્રથી તાજમહેલ જોવા માટે આગ્રા (Agra News) આવી હતી. તેમની સાથે એક બીમાર વડીલ પણ હતા. આ વડીલને લકવો હતો અને તે માનસિક રીતે વિકલાંગ હતા. તે ચાલી પણ શકતા નહોતા. એટલે બન્યું એવું કે આ વડીલના એક દીકરાએ તેના પિતાને કારમાં બંધ કરી દઈ, તેમના હાથ, પગ અને કમરને સીટ સાથે બાંધી દીધા. કાર લૉક કરી નાખી અને પોતાના નાના ભાઈને કાર પાસે ઊભો રાખ્યો. અને પોતે તેની પત્ની અને બાળક સાથે તાજમહેલ જોવા ગયો. પણ બન્યું એવું કે કાર પાસે જે નાના ભાઈને ઊભો રાખ્યો હતો તે ટોઇલેટ માટે ત્યાંથી દૂર થયો હતો. ત્યારે જ એક ટૂરિસ્ટ ગાઈડે આ વડીલના હાલ જોયા હતા. તેણે અન્ય સાથીદારો અને યુપી ટૂરિઝમ પોલીસના એક જવાનને બોલાવ્યા હતા. ત્યારબાદ કારની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી. કારના કાચ તોડવામાં આવ્યા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અને વડીલને એમ્બ્યુલન્સમાં સુવડાવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
જોકે, એમ્બ્યુલન્સમાં પેલો વડીલનો નાનો દીકરો પણ બેસી ગયો હતો. તેણે તેના ભાઈને ફોન કરીને આ વાત જણાવી હતી. મુંબઈ પશ્ચિમ આરટીઓ ખાતે નોંધાયેલી આ કારના આગળના ભાગમાં મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ જોવા મળ્યું હતું. ટૂરિસ્ટ પોલીસ સ્ટેશન (Agra News)ના ઇન્ચાર્જ રૂબી સિંહે જણાવ્યું હતું કે પોલીસ આવે તે પહેલાં જ આ લોકો ચાલ્યા ગયા હતા, તેથી સંપૂર્ણ માહિતી મેળવી શકાઇ ન હતી.
Agra News: આ વડીલની હાલત ગંભીર હોવાથી સ્થાનિકો અને પાર્કિંગ સ્ટાફે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.