અમરનાથ યાત્રા પર આતંકનો ઓથાર, સુરક્ષા દળો પણ છે સંપૂર્ણપણે તૈયાર

26 June, 2022 09:17 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

ઘૂસણખોરીની કોશિશને ​અટકાવવા સરહદપાર ટનલને શોધવા માટે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર ગઈ કાલે વ્યાપક સર્ચ ઑપરેશન પાર પાડ્યું, ત્રણથી ચાર ગણા વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા

ફાઇલ તસવીર

સુરક્ષા દળોએ અમરનાથ યાત્રા દરમ્યાન આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની કોશિશને ​અટકાવવા સરહદપાર ટનલને શોધવા માટે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર ગઈ કાલે વ્યાપક સર્ચ ઑપરેશન પાર પાડ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંબા, કથુઆ અને જમ્મુ જિલ્લાઓમાં સરહદીય ગામોમાં પોલીસ, સીઆરપીએફ અને બીએસએફ દ્વારા સાથે મળીને આ સર્ચ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીના કારણે બે વર્ષના બ્રેક બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. સાંબાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ઑપરેશન્સ) જી. આર. ભારદ્વાજે જણાવ્યું હતું કે વિવિધ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર આતંકવાદીઓ આ યાત્રાને ખોરવી નાખવા માટે સરહદપારથી ઘૂસણખોરી કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ સર્ચ ઑપરેશન દરમ્યાન જ્યાં સુરક્ષા દળોની ખાસ દેખરેખ નથી એવા તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.

સુરક્ષા દળો દ્વારા અમરનાથ યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. એક આર્મી ઑફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ યાત્રા માટે ત્રણથી ચાર ગણા વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, કેમ કે સંભવિત આતંકવાદી હુમલા વિશે વિશ્વસનીય ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યાં છે. આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને જોખમ વધ્યું છે. અમને સામાન્ય રીતે દર વર્ષે આતંકવાદીઓ યાત્રાને ટાર્ગેટ કરશે એવાં ઇનપુટ્સ મળતાં હોય છે. જોકે, આ વર્ષે આવાં ઇનપુટ્સ વધુ મળ્યાં છે. 

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા ૧૫૦ આતંકવાદી રેડી, ૫૦૦- ૭૦૦ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે સમગ્ર અંકુશ રેખા પર લૉન્ચપેડ્સ ખાતે ૧૫૦ આતંકવાદીઓ તૈયાર છે. એટલું જ નહીં, ત્યાં ૧૧ ટેરર કૅમ્પ્સમાં ૫૦૦-૭૦૦થી વધુ આતંકવાદીઓ ટ્રેઇનિંગ મેળવી રહ્યા છે. એક સિનિયર આર્મી ઑફિસરે ગઈ કાલે આ માહિતી પૂરી પાડતાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ કાશ્મીરમાં અંકુશ રેખા પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે.  આ આર્મી ઑફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અંકુશ રેખા પર મુઝફ્ફરાબાદ, કોટલી અને મનશેરા ખાતે ૧૧ ટ્રેઇનિંગ કૅમ્પ્સ ખાતે લગભગ ૫૦૦થી ૭૦૦ લોકો છે. 
આ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે ‘મેના અંત સુધીમાં બધી જ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એક ચોક્કસ ગ્રુપ આવ્યું હતું અને તમને ખ્યાલ જ છે કે બાંદીપોરા અને સોપોરમાં એનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.’

national news indian army