11 February, 2026 06:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટ્વિટર, યુટ્યુબ, સ્નૅપચૅટ અને ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મે હવે એમના પ્લૅટફૉર્મ પર શૅર કરાયેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સામગ્રી પર લેબલ લગાવવું જરૂરી રહેશે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નિયમો અંતર્ગત સરકાર કે કોર્ટ દ્વારા આપત્તિજનક ગણાવાયેલી ડીપફેક કન્ટેન્ટને ૩ કલાકમાં દૂર કરવાની રહેશે. પહેલાં આ સમયમર્યાદા ૩૬ કલાકની હતી.
ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે મંગળવારે એક આદેશ જાહેર કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) નિયમો ૨૦૨૧માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો ૨૦ ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સરકારે અગાઉ ૨૦૨૫ની બાવીસ ઑક્ટોબરે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો.
નવા નિયમોનો હેતુ ડીપફેક અને AI-જનરેટેડ સામગ્રીને લેબલ કરવાનો અને ટ્રેસ કરવાનો છે. આનો અર્થ એ છે કે AI સામગ્રી હવે સ્પષ્ટપણે જણાવશે કે એ AI-જનરેટેડ છે, વાસ્તવિક નહીં. આ ખોટી માહિતી અને ચૂંટણી છેતરપિંડી જેવી સમસ્યાઓને કાબૂમાં લેશે.
નવા નિયમ હેઠળ જે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ AI કન્ટેન્ટ જેવી કે સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફર્મેશન ક્રીએટ કરવા દેશે એણે આવી દરેક કન્ટેન્ટ પર પ્રૉમિનન્ટ લેબલ લગાવવું પડશે. આ લેબલ દૃશ્ય ક્ષેત્રના ઓછામાં ઓછા ૧૦ ટકા ભાગને આવરી લેવું જોઈએ અથવા ઑડિયો સમયના પહેલા ૧૦ ટકા ભાગની અંદર દેખાવું જોઈએ.