03 December, 2025 09:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍર ઇન્ડિયાની એક બેજવાબદારી તાજેતરમાં ઉજાગર થઈ છે, જેમાં ઍરલાઇને ઍરબસ A320 નિયો ઍરક્રાફ્ટને ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયા પછી પણ લગભગ એક મહિના સુધી ઉડાડ્યું હતું. એક્સપાયર સર્ટિફિકેટ સાથે પ્લેન ઉડાડવાની પરવાનગી આપનારા મેઇન્ટેનન્સ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે દરેક પ્લેન ફ્લાઇટ માટે સુરક્ષિત છે કે કેમ એ માટે ઍર વર્ધીનેસ સર્ટિફિકેટ (ARC) આપવામાં આવે છે જે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આપવામાં આવે છે. ઍરબસ A320 નિયોના ફિટનેસ સર્ટિફિકેટ માટે DGCA તપાસ માટે પહોંચી ત્યારે એનું એન્જિન ચેન્જ કરવામાં આવી રહ્યું હતું એટલે ઍરલાઇનના ઑફિસરોએ કહ્યું હતું કે એન્જિન બદલાયા પછી તમને ફરીથી બોલાવીશું. જોકે એ પછી ફરીથી તપાસ માટે બોલાવ્યા વિના જ ઍરલાઇને પ્લેનને ઑપરેટ કરવાનું શરૂ કરી દીધું. નવેમ્બર મહિનામાં જરૂરી તપાસ અને સર્ટિફિકેશન વિના જ એ વિમાન ઊડ્યું હતું. ૨૫ નવેમ્બરે આ વિમાન મુંબઈ-દિલ્હી-મુંબઈ અને મુંબઈ હૈદરાબાદ-મુંબઈ રૂટ પર ઊડ્યું ત્યારે જાણ થઈ હતી કે વિમાનનું ARC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું છે. આ ઘટના પછી DGCAએ ઍર ઇન્ડિયાને આ ગરબડમાં સંકળાયેલા સ્ટાફ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.