ઍર ઇન્ડિયાનાં વિમાન ઓછાં પણ પાઇલટ્સ ઇન્ડિગો કરતાં વધારે

10 December, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોમાં પાઇલટ્સની સંખ્યામાં અસમાનતા બેઉ ઍરલાઇન્સની પાસે રહેલા કાફલાની રચનાને કારણે છે

ઍર ઇન્ડિયા

સોમવારે સંસદમાં આપવામાં આવેલી જાણકારી મુજબ ઍર ઇન્ડિયા ૧૮૧ વિમાનોનો નાનો કાફલો ચલાવે છે છતાં માર્કેટ-લીડર ઇન્ડિગો કરતાં વધુ પાઇલટ્સને રોજગારી આપે છે. ઇન્ડિગો ૪૩૦ વિમાનોનું સંચાલન કરે છે અને એની પાસે ૫૦૮૫ પાઇલટ્સ છે, જ્યારે ઍર ઇન્ડિયા પાસે ૬૩૫૦ અને એની લો-બજેટ ઍરલાઇન ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે ૧૫૯૨ પાઇલટ્સ છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે જણાવ્યું હતું કે ‘છ મુખ્ય સ્થાનિક ઍરલાઇન્સે ૧૩,૯૮૯ પાઇલટ્સને રોજગારી આપી છે. અકાસામાં પાઇલટ્સની સંખ્યા ૪૬૬ છે અને સ્પાઇસજેટમાં ૩૮૫ છે. સરકાર સંચાલિત ઍલાયન્સ ઍર દ્વારા ૧૧૧ પાઇલટ્સને રોજગારી આપવામાં આવી છે.’

આટલી અસમાનતાનું કારણ

ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોમાં પાઇલટ્સની સંખ્યામાં અસમાનતા બેઉ ઍરલાઇન્સની પાસે રહેલા કાફલાની રચનાને કારણે છે. ઍર ઇન્ડિયાના ૬૩ વાઇડ-બૉડી ઍરક્રાફ્ટને લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે વધારે ક્રૂ-મેમ્બરની જરૂર પડે છે. ઘણી વાર ફરજ-સમયમર્યાદા પૂરી કરવા માટે દરેક ટ્રિપમાં બે કૅપ્ટન અને ત્રણ ફર્સ્ટ ઑફિસરની જરૂર પડે છે. ઇન્ડિગોના કાફલામાં વધારે સિંગલ-આઇલ ઍરબસ A320 ફ્લીટ છે, જેમાં સામાન્ય રીતે ફક્ત એક કૅપ્ટન અને એક ફર્સ્ટ ઑફિસરની જરૂર હોય છે. વાઇડ-બૉડીઝમાં જટિલ કામગીરી, લાંબી તાલીમ અને વિશિષ્ટ પ્રકારના રેટિંગ્સનો પણ સમાવેશ થાય છે, જ્યારે નૅરો-બૉડીઝ વિમાનોમાં પાઇલટની ઓછી સંખ્યા પણ ચાલી જાય છે.

national news india indigo air india