‘ધુરંધર’ફિલ્મની ચર્ચા વચ્ચે અજિત ડોભાલનો જૂનો વીડિયો ફરી વાયરલ: પાકિસ્તાનમાં જ્યારે છુપા વેશે...

15 December, 2025 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અજીત ડોભાલનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે પાકિસ્તાનમાં કરેલી ગુપ્તચર તરીકેને કામગીરીની વાત કરી છે, જે રુંવાટા ખડા કરી દેનારી છે.

ફિલ્મ ધુરંધરમાં અજીત ડોભાલનું પાત્ર આર માધવને આબેહુબ ભજવ્યું છે - સૌજન્ય ફાઇલ તસવીર

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો પાકિસ્તાનમાં કરેલી ગુપ્ત કામગીરીનો અનુભવ વર્ણવતો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો એ સમયે વાયરલ થયો છે, જ્યારે બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ને કારણે દેશભરમાં ગુપ્તચર કામગીરી, પાકિસ્તાન આધારિત નેટવર્ક્સ અને ઇન્ટેલિજન્સ વર્કની ફિલ્મી રજૂઆત વિશે ચર્ચાઓએ જોર પકડ્યું છે. AIના ઉપયોગથી બનતા ખોટા ભાષણો અને ડીપફેક વીડિયોની વધતી સંખ્યાને કારણે ઘણા લોકોને વીડિયો સાચો હોવાની શંકા ગઈ. જો કે આ વીડિયો વર્ષો પહેલાં અજિત ડોભાલે વિદર્ભ મૅનેજમૅન્ટ ઍસોસિયેશનના સમારોહમાં ભાષણ આપતી વખતે એક વાત કહી હતી તે સમયનો છે. જો કે જે વાત લોકોને સૌથી વધુ આકર્ષે છે તે છે એમાં ડોભાલે જણાવેલી ઘટના છે, જે ફિલ્મ કરતાં પણ વધુ નાટ્યાત્મક લાગે છે, છતાં શાંતિથી કહેવાયેલી એક વાસ્તવિક અનુભૂતિ છે.

વીડિયોમાં અજીત ડોભાલ શું કહે છે?


ડોભાલ યાદ કરે છે કે તેઓ લાહોરમાં એક ઓલિયાની મઝાર પાસે બેઠા હતા જ્યાં ઘણા લોકો દર્શન કરવા આવતા. તે વખતે તેઓ એક મુસલમાન વ્યક્તિ સાથે એક મુસલમાન તરીકે જ રહેતા હતા. ત્યાં મઝારમાં એક લાંબી સફેદ દાઢી વાળો માણસ તેમને જોયા કરતો હતો. તે માણસે તેમને બોલાવીને પૂછ્યું,“તુમ હિન્દુસ્તાન કે લગતે હો.” ડોભાલે જવાબમાં ના કહ્યું પણ પેલા માણસે તેમને ધારીને જોયા કર્યા અને બાદમાં પોતાની સાથે આવવા કહ્યું. તે વ્યક્તિ તેમને નજીકના એક નાના ઓરડમાં લઇ ગઈ અને પછી દરવાજો બંધ કહી સામેથી એમ કહ્યું કે, "મને ખબર છે કે તું હિંદુ છે." ડોભાલે સામે પૂછ્યું કે તેઓ આ શેના આધારે કહે છે? પેલા માણસનો જવાબ હતો કે ડોભાલના કાન વિંધેલા છે અને તેવું મુસલમાનોમાં નથી હોતું. જો કે ડોભાલે એવો બચાવ કર્યો કે, "એ નાનપણમાં વિંધવામાં આવ્યા હતા, મેં બાદમાં ધર્મ પરિવર્તન કર્યું હતું." જો કે એ માણસે ત્યારે સામે એમ કહ્યું કે, "મને ખબર છે કે તું બાદમાં પણ નથી વટલાયો. કાનની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે નહીંતર લોકોને શંકા જશે." ડોભાલને બાદમાં તે વ્યક્તિએ પૂછ્યું કે, "તને ખબર છે મેં તને કેવી રીતે ઓળખી લીધો?" ડોભાલે ના પાડી ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે, "હું પોતે પણ હિંદુ છું એટલે." બાદમાં તેણે ડોભાલને એક કબાટમાં સંતાડેલી શિવજી અને દુર્ગામાની મુર્તિ બતાડી અને પોતે પૂજા કરે છે એમ કહ્યું પણ બહારના લોકો તેને મુસલમાન તરીકે જાણે છે તેમ પણ ઉમેર્યું. ડોભાલે પોતે અંડર કવર એજન્ટ તરીકે કામ કર્યું હોવાનું આ ઘટના પરથી કળી શકાય છે. આખી ઘટના સાંભળવાથી પણ રુંવાટા ખડા થઇ જાય કારણકે એક અંડરકવર એજન્ટ માટે આ બહુ જોખમી પળ હોય તે સ્વાભાવિક છે. અજીત ડોભાલ પાકિસ્તાનમાં સાત વર્ષ રહ્યા હતા અને એ દરમિયાનની આ ઘટના તેમણે વર્ણવી છે. 

 

અત્યારે આ વીડિયો `ધુરંધર` ફિલ્મને કારણે સોશ્યલ મીડિયા પર ફરી સરફેસ થયો છે. ફિલ્મમાં દર્શાવેલી ગુત્પચરોની નાટ્યાત્મક દુનિયા લોકોને આકર્ષી રહી છે અને એટલે કે આ પ્રકારનું કોન્ટેન્ટ વાઇરલ થઇ રહ્યું છે. અજીત ડોભાલના અન્ય એક વીડિયોની પણ ચર્ચા ચાલી છે જેમાં આઇએસઆઇ તરફ આકર્ષાતા હિંદુઓની વાત છે, જો કે એ વીડિયો ડીપ ફેક હોવાની ચર્ચા ચાલી છે.  પરંતુ અહીં શૅર કરેલો વીડિયો ફેક નથી પણ સાચો છે. અગાઉ બીબીસીમાં આવેલા એક અહેવાલમાં પણ આ વીડિયોનો ઉલ્લેખ હતો.  અજીત ડોભાલ પોતાના સમયના એક ઉત્તમ સફળ ઇન્ટેલિજન્ટ ઑફિસર રહ્યા છે. ફિલ્મ ધુરંધરમાં અજીત ડોભાલનું પાત્ર અભિનેતા આર.માધવને આબેહુબ ભજવ્યું છે. 

 

 

ajit doval national news dhurandhar ranveer brar viral videos