એપ્રિલ સુધીમાં રામ મંદિરનું તમામ કાર્ય પૂરું થશે, કુલ ખર્ચ ૧૯૦૦ કરોડ રૂપિયા

01 February, 2026 09:24 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિર સંબંધિત તમામ બાંધકામ-કાર્ય ૨૦૨૬ની ૩૦ એપ્રિલ સુધીમાં પૂરું થઈ જશે

અયોધ્યા રામ મંદિર

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યામાં મંદિરના નિર્માણ અંગે મહત્ત્વપૂર્ણ બે દિવસની બેઠકમાં હાજરી આપીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘રામ મંદિર સંબંધિત તમામ બાંધકામ-કાર્ય ૨૦૨૬ની ૩૦ એપ્રિલ સુધીમાં પૂરું થઈ જશે. રામ મંદિરના નિર્માણનો કુલ ખર્ચ ૧૯૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સહિત ૧૬૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.’ 

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘ઑડિટોરિયમનું કામ બાકી છે અને એપ્રિલ સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે. મુખ્ય મંદિર ઘણા સમય પહેલા પૂરું થઈ ગયું છે અને કિલ્લામાં ભીંતચિત્રો અને અન્ય સુવિધાઓ અંતિમ તબક્કામાં છે. ફ્લડ-લાઇટિંગનું કામ છ મહિનામાં પૂરું થશે. સાઇનેજ ઇન્સ્ટૉલેશન એક અઠવાડિયામાં પૂરું થશે. ભક્તોનાં જૂતાં અને સામાન સંગ્રહવા માટેનું મકાન અને રૅક પૂરાં થઈ ગયાં છે. શહીદ સ્મારક સ્તંભનું બાંધકામ માર્ચ સુધીમાં પૂરું થશે. રામનવમી બાદ રામલલાનાં દર્શન કર્યા પછી ભક્તોને રામ મંદિર સંકુલની અંદર અન્ય મંદિરોમાં જવાની પરવાનગી આપવામાં આવશે.’ 

૧૯ માર્ચે રાષ્ટ્રપતિ આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ૧૯ માર્ચે અયોધ્યાની મુલાકાત વિશે નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘હિન્દુ નવું વર્ષ (ચૈત્ર શુક્લ પ્રતિપદા, નવ સંવત્સર) ૧૯ માર્ચે આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમણે અનૌપચારિક રીતે હાજરી આપવા સંમતિ આપી છે. તેઓ રામલલાની મુલાકાત લેશે અને પૂજા કરશે અને રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા આશરે ૪૦૦ શ્રમિકોનું સન્માન કરશે.’

national news india ram mandir ayodhya indian government religious places