18 March, 2026 11:04 AM IST | Allahabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અલાહાબાદ હાઈ કોર્ટના એક ન્યાયાધીશ દ્વારા દહેજ-મૃત્યુના ગંભીર કિસ્સાઓમાં જે રીતે છૂટથી જામીન આપવામાં આવ્યા છે એને લઈને કાયદાકીય વર્તુળોમાં મોટો વિવાદ સર્જાયો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ જામીન-આદેશોને ચિંતાજનક અને નિરાશાજનક ગણાવાયા બાદ કરવામાં આવેલા એક વિશ્લેષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ પંકજ ભાટિયાની સિંગલ બેન્ચે ગયા ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં દહેજ-મૃત્યુ સંબંધિત કુલ ૫૧૦ કેસોમાં સુનાવણી કરી હતી અને આશ્ચર્યજનક રીતે તેમણે આ ૫૧૦માંથી ૫૦૮ કેસોમાં આરોપીઓને જામીન આપી દીધા હતા. એટલે કે જામીન આપવાનો દર ૯૯.૬૧ ટકા જેટલો અસામાન્ય રીતે ઊંચો રહેવા પામ્યો છે. માત્ર બે કેસ એવા હતા જેમાં જામીન નકારવામાં આવ્યા હતા; એમાં પત્ની પર ગોળીબાર અથવા ૯૦ ટકા દાઝી જવાથી થયેલા મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ પંકજ ભાટિયા દ્વારા આપવામાં આવેલા એક જામીન-આદેશને રદ કરીને એને ન્યાયની મજાક સમાન ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગંભીર ગુનાઓમાં માત્ર જેલવાસના સમયગાળાને આધારે જામીન આપી શકાય નહીં.
મોટા ભાગના ઑર્ડરમાં જામીન આપવા માટે આરોપીએ જેલમાં વિતાવેલો સમય ગણતરીમાં લેવાયો હતો જે ઘણા કેસોમાં એક વર્ષથી પણ ઓછો હતો. આ ઉપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શારીરિક સતામણીના સીધા પુરાવા ન મળવા વિશે ન્યાયાધીશે એવી ટિપ્પણી કરી હતી કે મૃત્યુના થોડા સમય પહેલાં દહેજ માટે સતામણી થઈ હોવાના કોઈ પુરાવા રેકૉર્ડ પર નથી અને આવું કહીને તેમણે જામીન આપ્યા હતા.
૫૧૦ આરોપીઓમાંથી ૩૫૬ એવા હતા જેઓ એક વર્ષ કરતાં પણ ઓછા સમયથી જેલમાં હતા. એમાંથી પાંચ આરોપીઓ તો એક મહિનાથી પણ ઓછા સમયમાં જામીન પર મુક્ત થઈ ગયા હતા. ૭૧ કેસોમાં તો જામીન-ઑર્ડરમાં આરોપીએ કેટલો સમય જેલમાં વિતાવ્યો એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહોતો.