લોનની સાથે ફિક્સ્ડ ડિપોઝિટ પરનો વ્યાજદર પણ ઘટશે, ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે રિફ્રેશ થશે

24 December, 2025 07:36 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી જાન્યુઆરીથી કયા ફેરફારો આવી રહ્યા છે એ નોંધી લો

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૬ના આગમન સાથે પહેલી જાન્યુઆરીથી નીતિ અને નિયમનકારી ફેરફારો શરૂ થવાના છે; જેની સીધી અસર ખેડૂતો, નોકરિયાતો, યુવાનો અને વ્યાપક જનતા પર પડશે. બૅન્કિંગ નિયમો, સોશ્યલ મીડિયા નિયમો, બળતણના ભાવ અને સરકારી યોજનાઓમાં પણ ફેરફાર થવાના છે. ૨૦૨૬માં ઘણા મોટા ફેરફારો થવાની અપેક્ષા છે. ડેટા સુરક્ષા અને સોશ્યલ મીડિયા દેખરેખ પર સરકાર નવેસરથી નિયમો લાગુ કરશે. બૅન્કિંગ ધોરણોમાં સુધારા સાથે, લોકોના વ્યવહારો, ખર્ચ અને સેવાઓને ઍક્સેસ કરવાની રીતમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

બૅન્કિંગ નિયમોમાં ફેરફાર

નવા વર્ષમાં ક્રેડિટ સ્કોર હવે દર ૧૫ દિવસે એક વાર નહીં પણ દર અઠવાડિયે રિફ્રેશ થશે, જેનાથી ક્રેડિટ ઇતિહાસ વધુ ગતિશીલ અને પ્રતિભાવશીલ બનશે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI), પંજાબ નૅશનલ બૅન્ક (PNB) અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC) સહિત ઘણી મોટી બૅન્કોએ પહેલાંથી જ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી નવા વર્ષમાં લોન લેનારાઓને ફાયદો થવાની અપેક્ષા છે. સુધારેલા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજદરો પણ જાન્યુઆરીથી અમલમાં આવશે.

બૅન્કોએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત નિયમોને વધુ કડક બનાવ્યા છે, સાથે જ PAN-આધાર લિન્કિંગનો કડક અમલ પણ શરૂ કર્યો છે. ૧ જાન્યુઆરીથી મોટા ભાગની બૅન્કિંગ અને સરકારી સેવાઓનો ઉપયોગ કરવા માટે PAN-આધાર લિન્ક ફરજિયાત બનશે; એનું પાલન કરવામાં નિષ્ફળ ગયા તો સર્વિસ ન પણ મળી શકે.

છેતરપિંડી અને દુરુપયોગને રોકવા માટે ખાસ કરીને વૉટ્સઍપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવાં મેસેજિંગ પ્લૅટફૉર્મ માટે સિમ વેરિફિકેશન નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર નિયંત્રણો

કેન્દ્ર સરકાર ઑસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોમાં રજૂ કરાયેલા પગલાંની જેમ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કડક સોશ્યલ મીડિયા નિયમો લાવવા પર વિચાર કરી રહી છે. વય-આધારિત પ્રતિબંધો અને માતાપિતાનાં નિયંત્રણો પર ચર્ચા ચાલી રહી છે.

જૂનાં વાહનો પર પ્રતિબંધ

વધતા પ્રદૂષણ સ્તરનો સામનો કરવા માટે ઘણાં શહેરો ડીઝલ અને પેટ્રોલ કમર્શિયલ વાહનો પર નવાં નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હી અને નોએડાના કેટલાક ભાગોમાં પેટ્રોલથી ચાલતાં વાહનોનો ઉપયોગ કરીને ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાની યોજનાઓ પર ચર્ચા થઈ રહી છે.

સરકારી કર્મચારીઓ માટે રાહત

૩૧ ડિસેમ્બરે સાતમા પગાર પંચના સમાપન પછી આઠમું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલમાં આવે એવી અપેક્ષા છે. આનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓ માટે પગાર માળખામાં સુધારો થવાની સંભાવના છે.

આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૬થી મોંઘવારી ભથ્થું (ડીયરનેસ અલાવન્સ-DA) વધવાની ધારણા છે, જે સતત ફુગાવા વચ્ચે પગારમાં વધારો કરશે. હરિયાણા સહિત કેટલાંક રાજ્યો પણ પાર્ટ-ટાઇમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુતમ વેતનની સમીક્ષા કરે અને વધારો કરે એવી અપેક્ષા છે.

ખેડૂતો માટે મુખ્ય ફેરફારો

ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ખેડૂતોને અનન્ય ID જારી કરવામાં આવી રહ્યાં છે જે PM-કિસાન યોજના હેઠળ ઇન્સ્ટૉલમેન્ટ મેળવવા માટે ફરજિયાત હશે. ID વિના લાભાર્થીઓને જમા રકમ મળી શકશે નહીં. PM કિસાન પાક વીમા યોજના હેઠળ ખેડૂતો હવે જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન થાય તો વળતર માટે પાત્ર બનશે. જોકે વીમાલાભનો દાવો કરવા માટે ૭૨ કલાકની અંદર નુકસાનની જાણ કરવી આવશ્યક છે.

 

national news india indian government state bank of india reserve bank of india