30 June, 2026 10:18 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. સોમવારે ૨૯ જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન અવસરે ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પવિત્ર ગુફામાં પ્રથમ પૂજા કરીને બાબા બર્ફાનીના આશીર્વાદ લીધા હતા. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઑગસ્ટ (રક્ષાબંધન)એ પૂરી થશે. ૫૭ દિવસ ચાલનારી આ યાત્રા માટે અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રદ્ધાળુઓ પહલગામ અને બાલતાલ એમ બે પરંપરાગત માર્ગે યાત્રા કરી શકશે.
હેલિકૉપ્ટર-સર્વિસ બંધ : સુરક્ષાનાં કારણોસર સમગ્ર યાત્રામાર્ગને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાથી આ વખતે હેલિકૉપ્ટર-સર્વિસ મળશે નહીં. યાત્રિકોએ પગપાળા, ઘોડા પર કે પાલખી દ્વારા જ જવું પડશે.
પહચાન ઍપ્લિકેશન : જમ્મુ-કાશ્મીર પોલીસે ભક્તોના સરળ વેરિફિકેશન અને સુરક્ષા માટે આ નવી ઍપ લૉન્ચ કરી છે. સમગ્ર રૂટ પર ડ્રોન અને CCTV કૅમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય નિયમો : શ્રદ્ધાળુઓ માટે ૩૦ દિવસની અંદરનું કમ્પલ્સરી હેલ્થ- સર્ટિફિકેટ અનિવાર્ય છે. ૧૩ વર્ષથી ઓછી અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રાની પરવાનગી નથી. પવિત્ર ગુફામાં હાલ છથી ૭ ફુટનું પ્રાકૃતિક શિવલિંગ આકાર લઈ ચૂક્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલાં જ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. કાશ્મીર ખીણમાં અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ગરમી વધવાને કારણે ગુફામાં બનેલું પ્રાકૃતિક હિમલિંગ ઝડપથી પીગળી રહ્યું છે. પર્યાવરણનિષ્ણાતો આ ઘટનાને હિમાલય ક્ષેત્રમાં થઈ રહેલા ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ-ચેન્જની સીધી અસર માની રહ્યા છે જેના કારણે ગ્લૅસિયર્સ સતત સંકોચાઈ રહી છે.
સમુદ્રની સપાટીથી આશરે ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફામાં છત પરથી ટપકતા પાણીથી દર વર્ષે કુદરતી શિવલિંગ બને છે. જોકે આ વર્ષે શિયાળા દરમ્યાન ઓછી બરફવર્ષા થઈ હતી અને ત્યાર બાદ મે-જૂન મહિનામાં તીવ્ર તડકો તથા ગરમ પવનને કારણે ગુફાની આસપાસ જરૂરી ઠંડક જળવાઈ રહી નથી. પરિણામે યાત્રા સત્તાવાર રીતે શરૂ થાય એ પહેલાં જ શિવલિંગનો આકાર નાનો થવા લાગ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેથી શિવલિંગ હજી વધુ પીગળી શકે છે. જોકે વહીવટી તંત્ર અને ધાર્મિક સંગઠનોએ શ્રદ્ધાળુઓને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. પ્રશાસને ખાતરી આપી છે કે હિમલિંગના આકારમાં ફેરફાર થવા છતાં યાત્રાની વ્યવસ્થા કે ભક્તોનાં સુરૂપ અને સુરક્ષિત દર્શન પર કોઈ પ્રતિકૂળ અસર પડશે નહીં.