બાબા બર્ફાનીનાં દર્શન હવે આવતા વર્ષે થશે

10 August, 2026 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમરનાથ યાત્રા ૨૦ દિવસ પહેલાં સ્થગિત, ૨૮ આ‍ૅગસ્ટે છડી મુબારક યાત્રા થશે

બાબા બર્ફાની

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ અને ગાંદરબલ જિલ્લામાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રા ફરી શરૂ થવાની શક્યતા ઓછી છે એટલે બાબા બર્ફાનીનાં દર્શન હવે આવતા વર્ષે જ થશે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૦ દિવસ પહેલાં સ્થગિત કરવામાં આવી છે. 
આ સંદર્ભમાં કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે ‘છડી મુબારક સમારોહ પહલગામ રૂટ પર આગળ વધશે અને ૨૮ ઑગસ્ટે યાત્રાની સમાપ્તિ કરશે. અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં છે. તાજેતરના વરસાદને કારણે યાત્રા ટ્રૅકના કેટલાક સંવેદનશીલ ભાગોને સમારકામ અને જાળવણીની જરૂર છે. બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ ભાગો પર સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.’
આ વર્ષે ૫૭ દિવસની યાત્રા ૩ જુલાઈએ શરૂ થઈ હતી અને ૨૮ ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે છડી મુબારક સમારોહ સાથે સમાપ્ત થવાની હતી. રસ્તાને નુકસાન થવાને કારણે પહલગામ રૂટ ૨૫ જુલાઈએ સ્થગિત કરવામાં આવ્યો હતો. ગઈ કાલથી બાલતાલ રૂટ પરથી પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.                      

national news india amarnath yatra religious places char dham yatra