બિહારમાં નીતીશકુમાર જ હશે NDAનો મુખ્ય પ્રધાનનો ચહેરો

31 March, 2025 09:14 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

અમિત શાહે કહ્યું હતું કે ‘૨૦૨૫માં મોદીજી અને નીતીશ કુમારજીના નેતૃત્વમાં ફરી એક વાર NDAની સરકાર બનાવો`

અમિત શાહ અને નીતિશ કુમાર

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિહાર ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. બિહારમાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પટનાના બાપુ સભાગૃહમાં આયોજિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ હાજર હતા.

મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બિહારમાં પહેલા ગુંડારાજ હતું, પરંતુ અમારી સરકારે એને ખતમ કરી દીધું અને મોડી રાત્ર સુધી પણ લોકો ડર વિના રોડ પર નીકળી રહ્યા છે. બિહારમાં હવે બધુ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જેટલી ઝડપથી લોકોને સારવાર મળવી જોઈતી હતી એટલી વ્યવસ્થા નહોતી, પરંતુ અમે લોકો જ્યારથી આવ્યા છીએ, સંપૂર્ણ વ્યવસ્થાને સુધારી રહ્યા છીએ. વચ્ચે મારાથી બે વખત ભૂલ થઈ ગઈ હતી, પરંતુ હવે નહીં થાય, કારણ કે અમે લોકોએ હવે એ નક્કી કરી લીધું છે. મને તો મુખ્ય પ્રધાન અટલ બિહારી વાજપેયીએ બનાવ્યો હતો.’
બિહાર વિધાનસભા ચૂંટણીમાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના મુખ્ય પ્રધાન ચહેરાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંકેત આપી દીધા છે કે નીતીશ કુમાર જ મુખ્ય પ્રધાનનો ચહેરો હશે. બાપુ સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે ‘૨૦૨૫માં મોદીજી અને નીતીશ કુમારજીના નેતૃત્વમાં ફરી એક વાર NDAની સરકાર બનાવો અને ભારત સરકારને બિહારના વિકાસનો મોકો આપો. બિહારને બદલવામાં નીતીશ કુમારની મહત્ત્વની ભૂમિકા રહી છે.

અમિત શાહે ગોપાલગંજમાં રૅલી યોજી હતી જેમાં NDAના સાથી પક્ષોના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે ચૂંટણી પહેલાં એક મોટું એલાન કર્યું હતું કે મારા જીગરના ટુકડાઓ જેવા યુવાન મિત્રો સૌને રામ રામ અને પ્રણામ. હું તમામ ધર્મ સ્થાનોને પ્રણામ કરીને શરૂઆત કરું છું. આ ગોપાલગંજની ધરતીએ હંમેશાં દેશને નવો રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો છે. લાલુ ઍન્ડ કંપનીએ રામમંદિર બનાવવામાં બાધા ઊભી કરી હતી, પરંતુ હું તમને જણાવવા માગું છું કે હવે સીતા માતાનું મંદિર આ બિહારની ધરતી પર સ્થાપિત કરવામાં આવશે.

સરકારે બિહાર માટે શું શું કર્યું?

મૈથિલી ભાષાને ૮મી યાદીમાં સામેલ કરી

મખાનાને GI ટૅગ અપાવ્યો

બિહાર કોકિલા શારદા સિન્હાને પદ્‍‍મ ભૂષણ - મરણોપરાંત પદ્‍‍મ વિભૂષણ આપ્યો

એક કરોડ ૧૭ લાખ બહેનોને ગૅસ-સિલિન્ડર આપ્યાં

national news india bihar nitish kumar amit shah political news bharatiya janata party national democratic alliance