જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ભંગ કરનારાઓ સામે આકરી કાર્યવાહી થશે : અમિત શાહ

24 October, 2021 07:02 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

શહીદ જવાનની પત્નીને મળ્યા અમિત શાહ આપ્યો સરકારી નોકરીનો પત્ર, આર્ટિકલ ૩૭૦ રદ કર્યા બાદ હોમ મિનિસ્ટર પ્રથમ વાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

પોલીસ-ઇન્સ્પેક્ટર પરવેઝ અહમદની વિધવા પત્ની ફાતિમા અખ્તરને મળતા અમિત શાહ (તસવીર : પી.ટી.આઈ.)

જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહે ગઈ કાલે શ્રીનગરમાં યુથ ક્લબને સંબોધતા કહ્યું હતું કે આજે જમ્મુ-કાશ્મીરમાં યુવા વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છીએ. આ બહુ મોટો ફેરબદલ છે. હવે કોઈ ગમે એટલું જોર લગાવી લે, આ ફેરબદલને હવે કોઈ રોકી નહીં શકે. આતંકવાદમાં ઘટાડો થયો છે. પથ્થરમારાની ઘટના અદૃશ્ય થઈ છે. હું તમને ખાતરી આપું છું કે જે લોકો જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ કરવા માગે છે એમના વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે. કાશ્મીરના યુવાઓને તક મળે એ માટે ડિલિમિટેશન પણ થશે. ડિલિમિટેશન બાદ ચૂંટણીઓ થશે. રાજ્યનો દરજ્જો પણ પાછો આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૯ના ઑગસ્ટ મહિનામાં આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ ગઈ કાલે પ્રથમ વાર દેશના ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણદિવસીય મુલાકાતે પહોંચ્યા હતા અને સીધા આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા પોલીસ-અધિકારીના પરિવારને મળવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે કાશ્મીરની ઘાટીમાં સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરવા મીટિંગ યોજી હતી.

અમિત શાહના એજન્ડામાં બાવીસ જૂને આતંકવાદીઓ દ્વારા તેના વતનના ગામે હત્યા કરાયેલા પોલીસ-ઇન્સ્પેક્ટર પરવેઝ અહમદના પરિવારજનોની મુલાકાતને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરવેઝ અહમદ સાંજની નમાઝ પઢીને પાછા ફરી રહ્યા હતા એ સમયે તેમના વતનના ગામ નૌગામની સરહદ પર તેમને ઠાર મરાયા હતા. અમિત શાહે શહીદ પોલીસ-કર્મચારીના પરિવારને દિલગીરી વ્યક્ત કરી તેમની વિધવા ફાતિમા અખ્તરને સરકારી નોકરીમાં નિયુક્તિનો પત્ર સોંપ્યો હોવાનું ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. નૌગામ ગયા બાદ અમિત શાહે સુરક્ષા પરિસ્થિતિ અને કાશ્મીર ખીણમાં કાશ્મીરના નાગરિકો, મોટા ભાગે બિન-સ્થાનિક મજૂરો અને લઘુમતીઓની લક્ષિત હત્યા કરનારા આતંકવાદીઓ સામે લડવા માટે લીધેલાં પગલાંઓની સમીક્ષા કરી હતી.

national news srinagar jammu and kashmir amit shah