અમિત શાહ વડાપ્રધાન મોદીને મળ્યા : કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચાઓ કરી

20 October, 2021 12:30 PM IST  |  New Delhi | Agency

ગૃહ પ્રધાને વડા પ્રધાન સાથે કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર દ્વારા તેમ જ ગૃહવિભાગ દ્વારા લેવાયેલાં પગલાંઓ વિશે વડા પ્રધાનને જાણકારી આપી હતી.

આતંકવાદી હુમલાઓને કારણે ડરના માર્યા કાશ્મીરમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ કાશ્મીર છોડીને જવાનું શરૂ કર્યું છે. જમ્મુ રેલવે-સ્ટેશને ભેગા થયેલા લોકો. પી.ટી.આઇ.

નવી દિલ્હી (આઇ.એ.એન.એસ.) : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ગૃહ પ્રધાને વડા પ્રધાન સાથે કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર દ્વારા તેમ જ ગૃહવિભાગ દ્વારા લેવાયેલાં પગલાંઓ વિશે વડા પ્રધાનને જાણકારી આપી હતી.
મંગળવારે સવારે ગૃહ પ્રધાન વડા પ્રધાનના સત્તાવાર રહેઠાણ ૭, લોકકલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. બન્ને નેતાઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થઈ રહેલી હત્યાઓના કારણે ઊભા થયેલા ભયજનક વાતાવરણ અંગે ચર્ચા કરી હતી. ભયના લીધે કાશ્મીરમાંથી પરપ્રાંતીય લોકો હિજરત કરી રહ્યા હોવાનું પણ ગૃહ પ્રધાને વડા પ્રધાનને જણાવ્યું હતું. આંતરિક સુરક્ષા માટેના મહત્ત્વના મુદ્દાઓ વિશે પણ ગૃહ પ્રધાને વડા પ્રધાનને માહિતી આપી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ ૨૩-૨૫ ઑક્ટોબર દરમ્યાન જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે અને સુરક્ષા સ્થિતિઓ માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે મીટિંગ કરવાના છે. કાશ્મીરમાં કલમ-૩૭૦ દૂર કરાયા પછી ગૃહ પ્રધાનની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે.

national news jammu and kashmir amit shah narendra modi