05 November, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવારો પહેલાં અમૂલે ઘી અને બટરના ભાવમાં મોટો વધારો કર્યો છે. સુધારાયેલા ભાવ મુજબ ૧ કિલો ઘીના કાર્ટનની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો થતાં હવે એ ૬૮૦ રૂપિયામાં મળશે. બીજી તરફ ૫૦૦ ગ્રામ બટરના પૅકમાં ૧૫ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બજારમાં માગણી વધવાને કારણે અને અનેક વિસ્તારોમાં અમૂલ ગાયના ઘીની અછત સર્જાવા વચ્ચે આ ભાવવધારો અમલમાં આવ્યો છે.
ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નકલી તથા ભેળસેળયુક્ત ખાદ્યચીજો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં બ્રૅન્ડેડ ઘીની માગણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જેને કારણે આ ભાવવધારો કરવો પડ્યો હોવાનું મનાય છે. આ નવા વધારાને લીધે સપ્ટેમ્બર ૨૦૨૫માં દૂધની બનાવટો પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો હતો એનો મોટા ભાગનો લાભ ગ્રાહકો માટે ધોવાઈ ગયો છે.
સૂત્રો પાસેથી મળેલી સુધારેલી મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) મુજબ અમૂલ ઘીના ૧ કિલો કાર્ટનનો ભાવ ૬૩૦ રૂપિયાથી વધીને હવે ૬૮૦ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત ઘીના ૫૦૦ ગ્રામ પાઉચની કિંમત અગાઉ ૩૨૫ રૂપિયા હતી એ વધીને હવે ૩૪૫ રૂપિયા થઈ ગઈ છે.