20 April, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનાયા બાંગર
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે થોડા સમય પહેલાં સેક્સ- પરિવર્તન કરાવ્યું હતું અને તે આર્યનમાંથી અનાયા બાંગર બન્યો હતો. આ અનાયાએ તાજેતરમાં વિસ્ફોટક દાવો કર્યો છે. તેણે કહ્યું છે, ‘મોટા સ્તરે રમી ચૂકેલા કેટલાક ક્રિકેટરોએ મને સેક્સ ચેન્જ ઑપરેશન બાદ તેમની ન્યુડ તસવીરો મોકલી હતી. મારી ટ્રાન્સ-આઇડેન્ટિટી જાહેર થયા બાદ તેઓ મારી પાસે કંઈક અપેક્ષા રાખતા હતા, પણ હું સુરક્ષિત રહેવા માગતી હતી અને ઇચ્છતી હતી કે કોઈ મારી તરફ બદઇરાદાથી ન જુએ. આમ મેં આખી પરિસ્થિતિ ટાળી દીધી હતી. આ લોકો ક્યારેય મિત્રો નહોતા અને હું એ પણ કહેવા માગતી નથી કે આ કયા પ્લૅટફૉર્મ પર બન્યું હતું.’
એક દિગ્ગજ ક્રિકેટરને તો અનાયાએ પોતાની પરિસ્થિતિ જણાવી તો તેણે તરત જ કહ્યું કે ચાલ તારી કારમાં જઈએ... મૈં તુમ્હારે સાથે સોના ચાહતા હૂં. અનાયાએ કહ્યું હતું કે આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી, ડરી ગઈ હતી.
એક મુલાકાતમાં અનાયા બાંગરે તેના ટ્રાન્સફૉર્મેશન બાદ પરિવારમાં સ્વીકૃતિ, તેના સંઘર્ષ અને તેની ઓળખ વિશે વાત કરી હતી. સેક્સ-ચેન્જ ઑપરેશનમાંથી પસાર થવું તેના માટે કોઈ મોટા સંઘર્ષથી ઓછું નહોતું. તેને માનસિક અને જાતીય સતામણીનો પણ સામનો કરવો પડ્યો હતો.
પપ્પાની જેમ દેશ માટે રમવાનું સપનું પૂરું થશે?
હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી (HRT) ચાલતી હતી ત્યારે ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં અનાયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લિંગ-પરિવર્તનની યાત્રા શૅર કરી હતી. એ પહેલાં ઑગસ્ટ મહિનામાં તેણે એક લાંબી ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે એમાં લખ્યું હતું : ‘ક્રિકેટ રમવું મારા જીવનનો ભાગ છે. મેં મોટી થતાં મારા પિતાને દેશનું પ્રતિનિધિત્વ કરતા અને કોચિંગ કરતા જોયા હતા. મેં તેમના પગલે ચાલવાનું નક્કી કર્યું હતું. ક્રિકેટ મારી મહત્ત્વાકાંક્ષા, મારો પ્રેમ અને મારું ભવિષ્ય હતું. મને પણ એક દિવસ દેશ માટે રમવા મળશે એ મારું સપનું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે એક દિવસ ક્રિકેટ છોડવું પડશે. મારો જુસ્સો અકબંધ છે, પણ હું એક પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહી છું. એક ટ્રાન્સ-મહિલા તરીકે હૉર્મોન લેવાથી મારા શરીરમાં બદલાવ આવ્યો છે; મારા સ્નાયુઓની શક્તિ, યાદશક્તિ અને રમવાની ક્ષમતાને અસર પડી છે, જેના પર હું નિર્ભર હતી એ બધું ઘટી રહ્યું છે.’