આંધ્ર પ્રદેશના બસકાંડમાં હજી વધુ ચોંકાવનારો ખુલાસો, બાઇકર તો પહેલાં જ મરી ગયેલો

27 October, 2025 10:38 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

રસ્તા વચ્ચે પડેલી બાઇક અને બાઇકરનું શબ બસની નીચે ૨૦૦ મીટર ઘસડાયાં અને ફ્યુઅલ ટૅન્ક ફાટતાં આગ લાગી

કુર્નૂલ બસકાંડ

૨૦ લોકોને જીવતા ભૂંજી નાખનારા કુર્નૂલના બસકાંડમાં રોજ નવા-નવા ખુલાસા થતા રહે છે. ગઈ કાલે આંધ્ર પ્રદેશ પોલીસે પુષ્ટિ કરી હતી કે ‘બસ સાથે અથડાયેલા બન્ને બાઇકસવારો નશામાં હતા. એ બાઇકને કારણે જ બસમાં આગ લાગી હતી, પરંતુ બાઇક બસને અથડાઈ નહોતી. બાઇકર તો પહેલેથી મૃત્યુ પામેલો હતો અને રસ્તામાં બાઇકની સાથે પડ્યો હતો. બસના ડ્રાઇવરને કાં તો તે દેખાયો નહીં કાં તો ખૂબ ઝડપ હોવાથી બસ રોકી શકાઈ નહોતી. બાઇકની ફ્યુઅલ ટૅન્ક ફાટતાં આગ લાગી હતી એવું લાગી રહ્યું છે.’

પોલીસને આ માહિતી બાઇકની પાછળ બેઠેલા અને બચી ગયેલા એરી સ્વામીની કરેલી પૂછપરછમાં ખબર પડી હતી. બાઇકર શિવશંકર અને એરી સ્વામી બન્નેએ ઘટનાસ્થળથી થોડેક જ દૂર આવેલા પેટ્રોલ-પમ્પ પરથી પેટ્રોલ ભરાવ્યું, ઢાબા પર જમ્યા અને પછી  એરી સ્વામીને મૂકવા શિવશંકર તેના ગામ જવા નીકળ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બે બાઇકરો પેટ્રોલ-પમ્પ પાસેથી નીકળ્યા ત્યારે જ એનું બૅલૅન્સ બગડે છે, પણ કોઈક રીતે સંતુલન જાળવી લે છે. આ એ જ બાઇકરો છે જે કુર્નૂલની બસના અગ્નિકાંડ સમયે બસ સાથે ટકરાયા હતા એવું માનવામાં આવતું હતું. આ અકસ્માતમાં બચી ગયેલો એરી સ્વામી ડરીને પોતાના ગામ જતો રહ્યો હતો. એ પછી વિડિયો વાઇરલ થતાં પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

એરી સ્વામીએ કહેલી આપવીતી

ઘટના સમયે પોતે પણ દારૂના નશામાં હતો એનો સ્વીકાર કરતાં એરી સ્વામીએ પોલીસને કહ્યું હતું કે ‘રાતે બે વાગ્યે શિવશંકર અને હું લક્ષ્મીપુરમ ગામથી મારા ગામ તુગ્ગલી તરફ આવવા નીકળ્યા હતા. એ પહેલાં અમે બન્નેએ એક ઢાબામાં ખાધું હતું. રાતે ૨.૨૪ વાગ્યે કારના શોરૂમ પાસે આવેલા પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ ભરાવવા પણ રોકાયા હતા. એ વિસ્તારમાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને બાઇક સ્કિડ થઈ જતાં શિવશંકર જમણી તરફ પડ્યો, ડિવાઇડર સાથે ટકરાયો અને રસ્તાની વચ્ચે આવીને પડ્યો. મેં રસ્તાની વચ્ચેથી તેને ખેંચીને જોયું તો તે મરી ગયેલો. હું હજી બાઇકને રોડ પરથી હટાવવાનું વિચારી રહ્યો હતો એવામાં બૅન્ગલોર જઈ રહેલી બસ ખૂબ સ્પીડમાં આવી અને બાઇક અને શિવશંકરને કચડીને એની સાથે
થોડે દૂર સુધી ઘસડી ગઈ. એ પછી બસમાં આગ લાગી.’

ડ્રાઇવર-ક્લીનર કઈ રીતે બચ્યા?

બસમાં આગ લાગી એની સૌથી પહેલાં ખબર ડ્રાઇવર અને ક્લીનરને થઈ અને તેઓ પૅસેન્જર ડોરમાંથી બહાર કૂદી ગયા. તેમણે કહ્યું હતું કે અમને પહેલાં ઘટનાની ગંભીરતાનો અંદાજ નહોતો. તેમણે પહેલાં લગેજ રૅકમાં સૂતેલા બીજા ડ્રાઇવરને જગાડ્યો અને પૅસેન્જરોને બહાર આવવા માટે બૂમો પાડી. જોકે આગ ફેલાઈ ચૂકી હતી એટલે અંદર જવાનું શક્ય નહોતું. ટાયર બદલવાના રૉડથી તેમણે બહારથી કાચની બારીઓ તોડવાની શરૂ કરી એને કારણે કેટલાક યાત્રીઓ બારીમાંથી કૂદીને બચી શક્યા, પરંતુ ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી. પોલીસે ડ્રાઇવર અને ક્લીનર બન્નેને આ દુર્ઘટના માટે દોષી ગણીને અને ઘટના સમયે લાપરવાહી દાખવવાના ગુનાસર પોલીસ-કસ્ટડીમાં લીધા હતા.

national news india andhra pradesh fire incident road accident