31 March, 2026 09:16 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
આરોપી રવીન્દ્ર વિજિયાનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી છે અને નૌકાદળમાં કર્મચારી છે. તે પરિણીત છે પણ તેનું મોનિકા સાથે અફેર હતું
દિલ્હીમાં ૨૦૨૨ના મે મહિનામાં આફતાબ પૂનાવાલાએ તેની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા ફ્રિજમાં મૂકી દીધા હતા. આવો જ હત્યાકાંડ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમાંથી બહાર આવ્યો છે જેમાં રવીન્દ્ર નામના ૩૫ વર્ષના પરિણીત નેવી કર્મચારીએ તેની પ્રેમિકા મોનિકાની હત્યા કરી દીધી હતી અને તેનાં અંગો કાપીને ફ્રિજમાં મૂકી દીધાં હતાં.
આરોપી રવીન્દ્ર વિજિયાનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી છે અને નૌકાદળમાં કર્મચારી છે. તે પરિણીત છે પણ તેનું મોનિકા સાથે અફેર હતું. રવીન્દ્રની પત્ની થોડાં અઠવાડિયાં પહેલાં જ તેનું ઘર છોડીને ચાલી ગઈ હતી. પત્નીની ગેરહાજરીમાં રવીન્દ્રએ મોનિકાને ૨૯ માર્ચે તેના ઘરે બોલાવી હતી. મોનિકા વિશાખાપટનમમાં જ રહે છે. બન્ને થોડા સમય માટે ઘરે સાથે રહ્યાં પણ હતાં. જોકે પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા રવીન્દ્રએ મોનિકાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ રવીન્દ્રએ તેનાં અંગો કાપીને ફ્રિજમાં મૂકી દીધાં હતાં. પોલીસને પગ અને નિતંબનો ભાગ ફ્રિજમાં છુપાવેલો મળ્યો હતો. મોનિકાનું માથું અને હાથનો ભાગ કાપીને રવીન્દ્રએ સૂમસામ વિસ્તારમાં લઈ જઈને સળગાવી દીધાં હતાં. જોકે આ બધું કર્યા પછી રવીન્દ્રએ જાતે જ પોલીસ પાસે જઈને ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તરત જ તેના ઘરે જઈને હત્યાની તપાસ કરી હતી. એમાં ફ્રિજ અને ટ્રૉલી-બૅગમાંથી મોનિકાનાં અંગો મળ્યાં હતાં. પોલીસને હજી શબનો માથાનો ભાગ નથી મળ્યો કેમ કે એ આરોપીએ સળગાવી દીધો છે.
પોલીસની તપાસમાં ખબર પડી હતી કે હત્યા કર્યા પછી તેણે ઑનલાઇન ડિલિવરી-પ્લૅટફૉર્મ પરથી ચાકુ મગાવીને શબના ટુકડા કર્યા હતા. હવે પોલીસે શબના ગાયબ હિસ્સાઓની શોધ કરવા માટે એક ટીમ બનાવી છે.
રવીન્દ્ર અને મોનિકા ૨૦૨૧માં મિંગલ નામની ડેટિંગ-ઍપ પર મળ્યાં હતાં. એ પછી બન્ને નિયમિત મળતાં રહેતાં હતાં. તેમની વચ્ચે પ્રેમસંબંધ પાંગરી રહ્યો હતો છતાં રવીન્દ્રએ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાં હતાં. એ પછી મોનિકા અવારનવાર તેની પત્નીને બધું કહી દેવાની ધમકીઓ આપ્યા કરતી હતી. રવીન્દ્રના કહેવા મુજબ મોનિકાએ અત્યાર સુધીમાં તેની પાસેથી ૩.૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ જ કારણસર બન્ને વચ્ચે ઝઘડો થતો હતો. થોડા સમય પહેલાં રવીન્દ્રની પત્ની પિયર ગઈ હતી એનો ફાયદો ઉઠાવીને તેણે મોનિકાને ઘરે બોલાવી હતી.