18 July, 2026 08:36 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અણ્ણા હઝારે
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્ર સરકારને આ બાબતે વાતચીત શરૂ કરવા વિનંતી કરતા તેમણે કહ્યું કે સરકારે કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ ન જોવી જોઈએ.
મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિથી અણ્ણા હજારેએ ટિપ્પણી કરી કે કોઈપણ મુદ્દાનો ઉકેલ ફક્ત વાતચીત દ્વારા જ મળી શકે છે. તેમણે કહ્યું, "માત્ર મૌન રહેવાથી મુદ્દાઓનું સમાધાન મળતું નથી; વાતચીત જરૂરી છે. સરકારે આ બાબતે પોતાનું મૌન તોડવું જોઈએ. તેઓ છેલ્લા 20 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે; આવા વ્યક્તિની ધીરજની કસોટી કરવી યોગ્ય નથી. સરકારે સંવાદ સ્થાપિત કરવો જોઈએ, પોતાનું વલણ રજૂ કરવું જોઈએ અને બીજી બાજુનું પણ સાંભળવું જોઈએ." હજારેએ ઉમેર્યું હતું કે સરકાર તેમની બધી માગણીઓ સ્વીકારે કે નહીં, વિરોધને આગળ ધપાવતા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.
સોનમ વાંગચુક કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત આંદોલનના સમર્થનમાં જંતર-મંતર પર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા. તેમનો વિરોધ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ પર કેન્દ્રિત હતો. શનિવાર, ૧૮ જુલાઈ, ૨૦૨૬ વિરોધના 21 માં દિવસે દિલ્હી પોલીસે તેમની બગડતી તબિયતને કારણે તેમને જંતર-મંતરથી સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડ્યા. હાલમાં તેઓ તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ સોનમ વાંગચુકને હૉસ્પિટલમાં લઈ જવાની દિલ્હી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો. વધુમાં, દેશભરના અનેક રાજકીય પક્ષોએ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન, તેમના નિવેદનમાં, અણ્ણા હજારેએ સરકારને અપીલ કરી હતી કે તેઓ આંદોલનને ફક્ત કાયદો અને વ્યવસ્થાના ચશ્માથી ન જુએ, પરંતુ વિરોધીઓની વાત સાંભળે અને વાતચીત દ્વારા ઉકેલ શોધે. હાલમાં, સોનમ વાંગચુક સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ છે, અને ડોકટરો તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
સોનમ વાંગચુકે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવા અને NEET અને અન્ય પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે `કૉકરોચ જનતા પાર્ટી` (CJP)ની આગેવાની હેઠળના આંદોલનને ટેકો આપવા માટે 28 જૂનના રોજ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરી હતી. ડૉક્ટરોના મતે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં તેમનું વજન લગભગ 9.5 કિલો ઘટી ગયું છે, અને તેમના બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. શુક્રવારે રાત્રે, સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે તેમની તબિયત બગડતી હોવા છતાં તેઓ તેમની ભૂખ હડતાળ ચાલુ રાખશે. તેમણે આ ભૂખ હડતાળ દરમિયાન તેમના શરીરના વજનના લગભગ 20 ટકા ઘટાડાનો દાવો કર્યો હતો.