31 December, 2025 09:50 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં VDGમાં મહિલાઓ પણ તાલીમ લઈ રહી છે.
સતત આતંકવાદીઓના ઓછાયા હેઠળ રહેતા જમ્મુ-કાશ્મીરની સરહદને અડીને આવેલાં ગામોમાં ભારતીય આર્મી તો ખડેપગે હોય જ છે, પરંતુ અહીંના ગામવાસીઓને તેમની સુરક્ષા માટે સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. ચિનાબ ઘાટીના ઊંચા વિસ્તારોમાં ઇન્ટેન્સિવ કાઉન્ટર ટેરરિસ્ટ ઑપરેશનની વચ્ચે ડોડા જિલ્લામાં વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ (VDG)ને ટ્રેઇનિંગ આપવાનું ભારતીય આર્મીએ શરૂ કર્યું છે. ડોડા-ચંબા બૉર્ડર પર આવેલાં ૧૭ ગામોમાં ૧૫૦ VDGs તૈયાર કરવામાં આવી રહ્યા છે. એમાં મહિલા ગાર્ડ વૉલન્ટિયર્સ પણ સામેલ છે. તેમને ઑટોમૅટિક રાઇફલ ચલાવવાની, સેલ્ફ-ડિફેન્સની ટેક્નિક્સ અને બંકર બનાવીને દુશ્મનોના હુમલાને રોકવાની સઘન તાલીમ અપાઈ રહી છે. આ એવાં જંગલોની વચ્ચે આવેલા પહાડી વિસ્તારનાં ગામો છે જ્યાં સિક્યૉરિટી ફોર્સ શંકાસ્પદ ટેરરિસ્ટ મૂવમેન્ટને પગલે મોટા પાયે સર્ચ-ઑપરેશન ચલાવી રહી છે.