19 May, 2025 06:48 AM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Arunachal Pradesh Earthquake: આજે રવિવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાંથી ભયાવહ સમાચાર સામે આવ્યા છે. અહીં દિબાંગ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 3.8 રિકત્લ સ્કેલ પર માપવામાં આવી હતી. આ સાથે જ મળતી માહિતી અનુસાર આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી અને તેનું કેન્દ્રબિંદુ અક્ષાંશ 29.03 એન, રેખાંશ 95.78 ઇ પર હતું.
ભારતના અરુણાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે જ ધરતી ધ્રૂજવા લાગી (Arunachal Pradesh Earthquake) હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 05:06:33 વાગ્યે દિબાંગ ખીણમાં રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.
જોકે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા મધ્યમકક્ષાની હોવાને કારણે કોઈ મોટા પાયે જાનહાનિ કે માનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ અચાનકથી ધરતીમાં ધ્રુજારી થવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સહુ પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા હતા. ૩.૮ની તીવ્રતામાં સામાન્યરીતે કોઈ નુકસાન થતું હોતું નથી. પણ આટલી તીવ્રતામાં પણ કંપન તો અનુભવી જ શકાય છે.
ઇન્ડોનેશિયામાં પણ ધરતી કંપવા લાગી હતી
ભારતના અરુણાચલમાં ધરતી ધ્રુજી (Arunachal Pradesh Earthquake) તો બીજી તરફ ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રવિવારે (ભારતીય સમય મુજબ) વહેલી સવારે ૦૨:૫૦:૨૨ વાગ્યે સુમાત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તમને જણાવી દઈએ કે બુધવારે નેપાળમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર અહીં આવેલો ભૂકંપ બુધવારે સાંજે 6:11 વાગ્યે નોંધાયો હતો. જેનું કેન્દ્ર દેશના પૂર્વમાં સોલુખુમ્બુ જિલ્લાના છેસકામ વિસ્તારમાં હતું. કાઠમંડુ અને અન્ય પડોશી જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી.
જોકે હાલ સુધી તો બંને દેશોમાંથી કોઈ મોટા નુકસાનના મળ્યા નથી. લોકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
કયા કારણોસર ધરતીકંપ સર્જાય છે? જરા, વિગતે સમજવાનો પ્રયાસ કરીએ
ભૂકંપ (Arunachal Pradesh Earthquake) શા માટે આવે છે? આ પ્રશ્ન આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. કહેવાય છે કે તે સતત ફરતી રહે છે. પણ જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે. તેને ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ પ્રમાણે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે છે.