વિડિયો-કૉન્ફરન્સિંગથી રોજ મેડિકલ તપાસ માટેની કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી

23 April, 2024 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એને બદલે દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે AIIMSના ડૉક્ટરોની પૅનલ ગઠિત કરવાનો આપ્યો આદેશ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિડિયો-કૉન્ફરન્સિંગથી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડૉક્ટરો સાથે રોજ મેડિકલ તપાસ માટે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. રાઉઝ ઍવન્યુ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે ઇન્સ્યુલિન આપવા પણ માગણી કરી હતી. કોર્ટે કેજરીવાલની મેડિકલ તપાસ માટે AIIMSના ડૉક્ટરોની પૅનલ ગઠિત કરવાનો આદેશ આપ્યો હતો.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના કેસનાં સ્પેશ્યલ જજ કાવેરી બાવેજાએ કેજરીવાલની અરજી ફગાવીને આદેશ આપ્યો હતો કે કેજરીવાલના સ્વાસ્થ્ય સંબંધિત તપાસ માટે AIIMSના ડિરેક્ટરના નેતૃત્વમાં પૅનલ ગઠિત કરવાનો આદેશ આપીએ છીએ. આ પૅનલ નક્કી કરશે કે કેજરીવાલને ઇન્સ્યુલિન આપવું કે નહીં. કેજરીવાલને શુગર છે એટલે તેમને ઇન્સ્યુલિન આપવું જોઈએ એવી માગણી આમ આદમી પાર્ટી કરી રહી છે. જેલ-પ્રશાસન ઇન્સ્યુલિન આપતું નથી એવો આરોપ પણ લગાવ્યો છે. જોકે જેલ-પ્રશાસને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે કેજરીવાલ ઇન્સ્યુલિન લેતા નથી, તેલંગણના પ્રાઇવેટ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવે છે, તેમને ઇન્સ્યુલિનની જરૂર નથી. કેજરીવાલની પત્ની સુનીતાના કહેવાથી ગયા શનિવારે AIIMSના ડૉક્ટરો સાથે વિડિયો-કૉન્ફરન્સિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક્સ્ટ્રા-ઑર્ડિનરી જામીન માટેની અરજી ફગાવી, ૭૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સ્ટ્રા-ઑર્ડિનરી જામીન આપવામાં આવે એવી માગણી કરતી જનહિત અરજીને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને અરજદારને ૭૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એક લૉ-સ્ટુડન્ટે અરજીમાં દાવો કર્યો હતો કે કેજરીવાલને ખૂંખાર ક્રિમિનલો સાથે રાખવામાં આવ્યા હોવાથી તેમનો જીવ જોખમમાં છે, મુખ્ય પ્રધાન તરીકે તમામ જવાબદારીઓ પૂરી કરવા અને નિર્ણયો લેવા માટે તેમની હાજરી ઑફિસમાં જરૂરી છે. આ અરજીની સુનાવણી વખતે કોર્ટે તીખી ટિપ્પણી કરી હતી કે શું તમે સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી આવો છો? જો એમ નથી તો તમને આવો વીટો અધિકાર કોણે આપ્યો?

national news arvind kejriwal aam aadmi party