રાજકીય રૅલીઓ પરનો પ્રતિબંધ ૨૨ જાન્યુઆરી સુધી લંબાવાયો

16 January, 2022 09:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇનડોર રાજકીય સભાઓ માટે હૉલની કેપિસિટીના ૫૦ ટકા, મહત્તમ ૩૦૦ લોકોની મર્યાદા કે પછી રાજ્યની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલી લિમિટ અનુસાર મંજૂરી આપવામાં આવશે

રાજકીય રૅલીની ફાઈલ તસવીર

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે રૅલીઓ અને રોડ-શો પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ૨૨ જાન્યુઆરી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ગઈ કાલે આ જાણકારી પૂરી પાડી હતી. 
ઇનડોર રાજકીય સભાઓ માટે હૉલની કેપિસિટીના ૫૦ ટકા, મહત્તમ ૩૦૦ લોકોની મર્યાદા કે પછી રાજ્યની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલી લિમિટ અનુસાર મંજૂરી આપવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કના ઉપયોગ સહિત કોરોનાને ફેલાતો રોકવા માટેના નિયમોની કડકાઈથી પાલન માટેની જવાબદારી નિભાવવી પડશે. 
૮ જાન્યુઆરીએ ચૂંટણી પંચે રૅલીઓ, રોડ-શો અને ઇનડોર અને આઉટડોર અન્ય રાજકીય કાર્યક્રમો પર ૧૫ જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો હતો. જેની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચે ગઈ કાલે કેન્દ્રીય આરોગ્ય સચિવ તેમ જ જ્યાં ચૂંટણી યોજાવાની છે એ રાજ્યોના આરોગ્ય સચિવોની સાથે અનેક મિટિંગ્ઝ કરી હતી. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. 

national news assembly elections election commission of india