11 August, 2026 09:37 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની બૅન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા હોય એવા ૫૪ આરોપીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ ૩૨ કેસની તપાસ કરી રહ્યું છે. નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં આ મહત્ત્વની વિગતો રજૂ કરી હતી.
મિનિસ્ટરે જણાવ્યું હતું કે ફ્યુજિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર્સ ઍક્ટ (FEOA) હેઠળ ૨૭ આરોપીઓ સામે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાંથી અદાલતે ૯ આરોપીઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરીને ૮૪૦.૬૮ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આ ઉપરાંત ૧૮ આરોપીઓના પ્રત્યાર્પણની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. EDએ PMLA હેઠળ કુલ ૩૫,૧૬૬.૨૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે, જેમાંથી ૧૫,૧૮૪.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે.
રાજ્યસભામાં રજૂ કરાયેલા અન્ય મહત્ત્વના આંકડા
બિનવારસી રકમ : સરકારી બૅન્કોના ગ્રાહકોની ૬૨,૬૮૩.૧૯ કરોડ રૂપિયાની દાવો ન કરાયેલી (બિનવારસી) રકમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ (DEA) ફન્ડમાં જમા છે.
ફૉરેન રિઝર્વ : ફેબ્રુઆરીથી મે ૨૦૨૬ વચ્ચે RBIએ ૮૧૭૦.૯૨ અબજ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ વેચ્યું હતું. ભારતનું ફૉરેક્સ રિઝર્વ ૧૦.૩ મહિનાના આયાતખર્ચ માટે પૂરતું છે.