હજારો હિન્દુ મહિલાઓનું ધર્માંતરણ કરી 100 કરોડની કમાણી કરનાર છાંગુર બાબાની ધરપકડ

12 July, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ATSને એક "રેટ લિસ્ટ" પણ મળી આવી છે, જેમાં ધર્માંતરણ કરાવતી મહિલાઓ માટે અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ છે. છાંગુર બાબાની મુખ્ય સહયોગી નીતુ ઉર્ફે નસરીન હતી, જે અગાઉ એક ઉદ્યોગપતિ નવીન રોહરાની પત્ની હતી. ધર્માંતરણ પછી, તે બાબા સાથે રહેવા લાગી.

જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા (તસવીર: X)

ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (UP-ATS) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ધર્માંતરણ ગૅન્ગનો મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા સામે કડક કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે બાબા અને તેના સહયોગીઓના 40 થી વધુ બૅન્ક ખાતાઓમાં 106 કરોડ રૂપિયાથી વધુ રકમ હતી, જેમાંથી મોટાભાગના પશ્ચિમ એશિયાથી આવ્યા હોવાનું કહેવાય છે.

છાંગુર બાબાનું સાચું નામ જમાલુદ્દીન છે. તે યુપીના બલરામપુરના રેહરા માફી ગામનો રહેવાસી છે. આ વ્યક્તિ, જે એક સમયે નાના પાયે રત્નો વેચતો હતો, તે મુંબઈની હાજી અલી દરગાહમાં જતો હતો અને ત્યાંથી તેની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ. ધીમે ધીમે, તે પોતાને `રુહાની બાબા` કહેવા લાગ્યો. 2020 પછી, છાંગુર બાબાની આર્થિક સ્થિતિમાં અચાનક ફેરફાર થયો. અહેવાલો અનુસાર, તેણે કથિત રીતે પોતાના ચમત્કારિક ઉપચાર અને પ્રાર્થનાઓથી હજારો લોકોને પ્રભાવિત કર્યા અને ધીમે ધીમે 3,000 થી 4,000 બિન-મુસ્લિમોનું ધર્માંતરણ કર્યું, જેમાંથી 1,500 થી વધુ મહિલાઓ હતી.

ધર્માંતરણ રૅકેટ કેવી રીતે ચાલી રહ્યું હતું?

તેણે ધાર્મિક ઉપદેશો, ઉપચાર અને અદ્ભુત ચમત્કારોના નામે લોકોને આકર્ષિત કર્યા હતા. પછી ધીમે ધીમે તેમને માનસિક રીતે પ્રભાવિત કરતો હતો અને ઇસ્લામ સ્વીકારવાનું કહેતો. ATSને એક "રેટ લિસ્ટ" પણ મળી આવી છે, જેમાં ધર્માંતરણ કરાવતી મહિલાઓ માટે અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ છે. છાંગુર બાબાની મુખ્ય સહયોગી નીતુ ઉર્ફે નસરીન હતી, જે અગાઉ એક ઉદ્યોગપતિ નવીન રોહરાની પત્ની હતી. ધર્માંતરણ પછી, તે બાબા સાથે રહેવા લાગી અને તેની સાથે આ કામ કરવા લાગી.

વૈભવી ગેરકાયદેસર મહેલ

ATS અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોએ બલરામપુરમાં બાબાના ગેરકાયદેસર બંગલાને તોડી પાડ્યો છે. બંગલાની ભવ્યતા જોઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આયાત કરેલી ટાઇલ્સ અને માર્બલ, 15×15 ફૂટ મોડ્યુલર કિચન, 10 CCTV કૅમેરા અને ઇલેક્ટ્રિક ફેન્સીંગ, દુબઈથી લાવેલું સ્પેનિશ તેલ અને વિદેશી પરફ્યુમ, તેમજ એક ગુપ્ત કંટ્રોલ રૂમ પણ મળી આવ્યો હતો જ્યાંથી સમગ્ર કૅમ્પસ પર નજર રાખવામાં આવતી હતી. આ ઉપરાંત, સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મદરેસા, હૉસ્પિટલો અને કૉલેજો પણ બનાવવામાં આવી હતી. હવે આ બધા વહીવટીતંત્રની તપાસના દાયરામાં છે.

બાબાના અનુયાયી નવીન રોહરા દ્વારા પુણેના માવલ તાલુકામાં 16 કરોડમાં 2 લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી હતી. નાગપુરના રહેવાસી ઇદલ ઇસ્લામની ભૂમિકા પણ પ્રકાશમાં આવી છે, જે જમીનોની ખરીદી અને વેચાણમાં સક્રિય હતો. ATS અને ED ને શંકા છે કે આ જમીનો રૂપાંતર કેન્દ્રો (દાવા કેન્દ્ર) બનાવવા માટે ખરીદવામાં આવી હતી. મની લોન્ડરિંગની તપાસ હેઠળ ED ને જાણવા મળ્યું છે કે મોટાભાગના પૈસા પશ્ચિમ એશિયામાંથી આવ્યા હતા. હવે વિદેશી દાનના સ્ત્રોત અને ઉપયોગની પણ તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલોમાં એ પણ ખુલાસો થયો છે કે છાંગુર બાબા ભારત-નેપાળ સરહદ પર એક મોટું `દાવા કેન્દ્ર` ખોલવાની યોજના બનાવી રહ્યા હતા, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્ક સ્થાપિત કરી શકાય.

અત્યાર સુધીની કાર્યવાહી

છાંગુર બાબા અને નસરીનની 5 જુલાઈએ લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી. તેને 16 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ મળ્યા છે, જે દરમિયાન ATS તેની પૂછપરછ કરશે. બાબાના ઘરેથી સંવેદનશીલ દસ્તાવેજો, વિદેશી વ્યવહારોના પુરાવા અને હાઇટેક સર્વેલન્સ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો છે. સંબંધિત બૅન્ક ખાતાઓ અને મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

નવીન રોહરા કોણ છે?

નવીન રોહરા મુંબઈનો એક ઉદ્યોગપતિ છે જે બાબાનો અનુયાયી બન્યો હતો. તેની પત્ની નીતુ અને પુત્રી સાથે તેણે ધર્મ પરિવર્તન કર્યો હતો. બાબાને પોતાની લક્ઝરી કાર અને જમીન આપી હતી. ધર્મ પરિવર્તન પછી, નવીનનું નામ જમાલુદ્દીન અને નીતુનું નામ નસરીન રાખવામાં આવ્યું હતું.

anti terrorism squad uttar pradesh jihad hinduism national news lucknow