08 April, 2026 11:59 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
પકડાયેલા આરોપી શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાન.
પાકિસ્તાનથી રાજસ્થાન થઈને ગુજરાત આવતું પચીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત અને રાજસ્થાન ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ઝડપી લીધું હતું. રાજસ્થાનના શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનને પાંચ કિલો મેથૅમ્ફેટામાઇન સાથે ઝડપી લઈને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ATSના પોલીસ-ઇન્સ્પેક્ટર જે. એમ. પટેલને બાતમી મળી હતી કે રાજસ્થાનના શંકરરામ અને સલમાન રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી મેથૅમ્ફેટેમાઇન નામના નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાનના સ્મગલર મારફત લઈને તેમના મળતિયાઓને ડિલિવરી કરવા આવી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમ બનાવીને રાજસ્થાન ATSની મદદ લઈને રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નૅશનલ હાઇવે પર પૅટ્રોલિંગ સાથે નાકાબંધી ગોઠવી હતી. ૬ એપ્રિલે સાંજે એક કારનું ચેકિંગ કરતાં અંદરથી રાજસ્થાનના બાડમેરના રામસરમાં રહેતા શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાન મળી આવ્યા હતા. તેમની પાસેથી પીળા રંગના થેલામાં પાંચ પારદર્શક થેલીઓમાં મુકાયેલું આશરે પચીસ કરોડ રૂપિયાનું પાંચ કિલો મેથૅમ્ફેટેમાઇન જપ્ત કરીને બન્નેની ધરપકડ કરી હતી.
બન્નેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ નશીલો પદાર્થ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતી મસાત મુબારક નામની વ્યક્તિ દ્વારા પાકિસ્તાનથી સરહદ પાર કરાવીને બાડમેર જિલ્લામાં લવાયો હતો. ત્યાંથી આ બન્ને આરોપીએ માલ મેળવ્યો હતો. આરોપીઓના મોબાઇલ ફોનમાંથી વૉટ્સઍપ-ચૅટ, કૉલ-રેકૉર્ડ અને વિડિયો જેવા ડિજિટલ પુરાવા મળી આવ્યા છે.