03 June, 2026 08:06 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
સંગીતા સોર્નાલિંગમ
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી શકે છે એવા અહેવાલો બાદ તામિલનાડુમાં નવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સંગીતા કે BJP તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. નોંધનીય છે કે સંગીતાએ વિજય પર લગ્નેતર સંબંધનો આરોપ લગાવ્યો હતો અને ૨૦૨૬ની શરૂઆતમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
BJPના નેતાઓ સંગીતાને પાર્ટીમાં લાવવાની શક્યતા શોધી રહ્યા છે. ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલી BJPની એક લોકપ્રિય અભિનેત્રી સંગીતાને મનાવવા માટે પડદા પાછળ પ્રયાસો કરી રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો વિજય સાથે નજીકથી જોડાયેલી કોઈ વ્યક્તિ હરીફ રાજકીય પક્ષમાં જોડાય તો સ્વાભાવિક રીતે તામિલનાડુમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.
તામિલનાડુમાં વિજયની આગેવાની હેઠળની નવી પાર્ટીની જીત અને BJPના નબળા પ્રદર્શન બાદ ગઈ કાલે ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ફાયરબ્રૅન્ડ નેતા કે. અન્નામલાઈએ દિલ્હીમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પાંચ પાનાંનું રાજીનામું સુપરત કર્યું હતું. ત્યાર બાદ અન્નામલાઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અન્નામલાઈ ૨૦૨૧માં BJPમાં જોડાયા હતા અને ત્યાર બાદ તામિલનાડુ BJPના રાજ્યપ્રમુખ બન્યા હતા.
ગયા વર્ષે BJP-AIADMK જોડાણને કારણે તેમને પદ છોડવું પડ્યું હતું. એવી અફવાઓ છે કે ભૂતપૂર્વ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર કે. અન્નામલાઈ તામિલનાડુ પર કેન્દ્રિત એક નવી પાર્ટી બનાવશે. જોકે BJPએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.