રામલલાને ચાર મિનિટ સુધી થયેલા સૂર્યતિલકનો ભવ્યદિવ્ય નઝારો જોવા લાખો ભાવિકો ઊમટ્યા અયોધ્યામાં

07 April, 2025 10:35 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

શ્રીરામના જયકારાથી ગૂંજી ઊઠી રામનગરીઃ અયોધ્યામાં ગલીએ-ગલીએ ભાવિકોની ભીડઃ વહેલી સવારે ૩.૩૦ વાગ્યાથી દેશભરમાંથી આવેલા ભાવિકો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું

સુર્ય તિલકનો નઝારો

અખિલ બ્રહ્માંડના નાયક પ્રભુ શ્રીરામના પ્રાગટ્યના મહાપર્વ એવી રામનવમી નિમિત્તે ગઈ કાલે અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરને વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લાખો ભાવિકોએ લાંબી લાઇનોમાં ઊભા રહીને રામલલાનાં દર્શન કર્યાં હતાં. બપોરે ૧૨ વાગ્યાના ટકોરે રામલલાના લલાટ પર સૂર્યતિલક થયું હતું અને એ ક્ષણ અદ્ભુત બની રહી હતી. અયોધ્યાની રામનગરી શ્રીરામના જયકારાથી ગૂંજી ઊઠી હતી. રામજન્મભૂમિ મંદિર સહિત આખી નગરીને ફૂલોથી સજાવવામાં આવી હતી. 

ગઈ કાલે રામ મંદિરમાં અભિષેક કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાય.

સવારે સાડાનવ વાગ્યાથી રામલલાના ભવ્ય શ્રૃંગારની શરૂઆત કરવામાં આવી હતી અને રાજકુમારની જેમ તેમનો શણગાર કરવામાં આવ્યો હતો. રામલલાના માથા પર સોનાનો મુગટ; સોના, ચાંદી અને મોતીજડિત વિવિધ આભૂષણો અને પીળાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં. ૧૧.૫૮ વાગ્યાથી આરતી શરૂ કરવામાં આવી હતી અને ૧૨ વાગ્યાના ટકોરે સૂર્યતિલક થયું હતું જે ચાર મિનિટ સુધી જોવા મળ્યું હતું. આ ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભાવિકો અયોધ્યા પહોંચ્યા હતા. વિદેશથી પણ ઘણા ભાવિકો રામનગરીમાં પહોંચ્યા હતા. અયોધ્યાની ગલીઓમાં પણ ભાવિકોની લાઇનો જોવા મળી હતી. 

કેવી રીતે થયું સૂર્યતિલક?

મંદિરના ઉપરના હિસ્સામાં લગાવવામાં આવેલા દર્પણ પર પડેલાં સૂર્યનાં કિરણોને પરાવર્તિત કરીને પિત્તળના પાઇપ દ્વારા મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં અને એમાં પિત્તળના પાઇપમાં લગાવવામાં આવેલા ત્રણ લેન્સની મહત્ત્વની કામગીરી રહી હતી. ગર્ભગૃહની અંદર લગાવવામાં આવેલા દર્પણમાં આ પ્રકાશ ટકરાયા બાદ ૯૦ ડિગ્રીનો કોણ બનાવીને રામલલાના કપાળ પર ૭૫ મિલીમીટરના તિલકના રૂપમાં જોવા મળ્યું હતું. સૂર્યતિલકની તૈયારી માટે ​ઇસરો અને બીજી સરકારી એજન્સીઓના વૈજ્ઞાનિકો રામમંદિરમાં પહોંચ્યા હતા. 

કલકત્તાના ન્યુ ટાઉનમાં રામનવમીની શોભાયાત્રા પોલીસે રોકી હોવાનો BJPનાં સંસદસભ્ય લૉકેટ ચૅટરજીનો દાવો

ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા લૉકેટ ચૅટરજીએ આરોપ લગાવ્યો હતો કે કલકત્તાના ન્યુ ટાઉન વિસ્તારમાં પોલીસે રામનવમીની શોભાયાત્રાને રોકી દીધી હતી. આ શોભાયાત્રાનું તેઓ નેતૃત્વ કરતાં હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે ન્યુ ટાઉનના રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને કેસ્ટોપુરમાં એને અટકાવવામાં આવી હતી. આ સમયે તેમણે પોલીસને કહ્યું હતું કે આ કોઈ રાજનીતિક રૅલી નથી, આધ્યાત્મિક સભા છે જેમાં લોકો સ્વેચ્છાએ ભાગ લેતા હોય છે. પોલીસ આવી શોભાયાત્રાઓને રોકી રહી છે.

મુસ્લિમ મહિલાઓએ પણ કરી રામની આરતી


વારાણસીના સુભાષભવનમાં રામનવમીના અવસર પર મુસ્લિમ મહિલાઓએ ભગવાન રામની આરતી કરી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

યોગી આદિત્યનાથે કર્યું કન્યાપૂજન


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ગોરખપુરમાં ગોરક્ષપીઠની પરંપરા અનુસાર કન્યાપૂજન કર્યું હતું. નવમીની તિથિએ નવ દુર્ગા સ્વરૂપા કુંવારી કન્યાઓના પગનો અભિષેક કરીને વિધિવિધાનથી પૂજન કર્યું હતું. તેમણે બટુકપૂજન પણ કર્યું હતું.

મહાલક્ષ્મીમાં સ્વામીનારાયણ ભગવાનને કરવામાં આવ્યો ફળોનો શણગાર

શ્રી સ્વામીનારાયણ ભગવાનની ૨૪૪મી પ્રાગટ્ય જયંતી નિમિત્તે મહાલક્ષ્મીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાનને ૨૫૦૦ કેરી, ૬૦૦ સફરજન, મોસંબી, સંતરાં સહિતનાં ફ્રૂટ્સનો શણગાર કરવામાં આવ્યો હતો. 

national news india ram navami ayodhya religious places kolkata yogi adityanath uttar pradesh varanasi