26 November, 2025 09:11 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
હજારો VVIP મહેમાનો અને આચાર્ય મહંતોની હાજરીની ઉપસ્થિતિમાં ગઈ કાલે અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય ધ્વજારોહણ સમારોહ સંપન્ન થયો
ગઈ કાલે ભવ્ય શિખર ધ્વજારોહણ સમારોહની સાથે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ થઈ ગયું હતું. પ્રાણપ્રતિષ્ઠાના ૬૭૩ દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. સવારે ૧૧.૫૦ વાગ્યે અભિજિત મુહૂર્તમાં બટન દબાવતાં જ બે કિલોનો કેસરિયા ધ્વજ ૧૬૧ ફુટ ઊંચા મંદિરના ૪૨ ફુટ ઊંચા ધ્વજદંડ પર ચડવાનો શરૂ થઈ ગયો હતો. એક મિનિટથી ઓછા સમયમાં ધ્વજ શિખર સુધી આરોહણ કરે એ દરમ્યાન અયોધ્યા, કાશી અને દેશભરના આચાર્યો અને પંડિતોએ શ્ળોકોચ્ચાર કરીને વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું.
ઑટોમૅટિક ધ્વજારોહણ કરીને શિખર સુધી પહોંચે એવા સ્ટેજ પર પ્રસ્થાન કરી રહેલાં નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, યોગી આદિત્યનાથ અને આનંદીબહેન પટેલ.
શિખર પર ધ્વજ સ્થિર થતાં વડા પ્રધાન ભાવવિભોર થઈ ગયા હતા અને ધર્મધ્વજાને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે સદીઓના ઘા ભરાઈ ગયા. આપણે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરીને રહીશું. આ માનસિકતા એટલી હાવી થઈ ગયેલી કે વર્ષો સુધી ભગવાન રામને કાલ્પનિક કહેવામાં આવ્યા હતા.’
નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે ઑટોમૅટિક પાંખિયા જેવા ડિવાઇસને ફેરવીને ધ્વજને ઊંચે જવા માટે સિગ્નલ આપ્યું હતું
ધ્વજારોહણ પહેલાં નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે રામદરબારમાં પૂજા અને આરતી કરી હતી. એ પછી રામલલાનાં દર્શન કર્યાં હતાં. આજે રામલલાએ સોના અને રેશમના દોરામાંથી બનેલાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. નરેન્દ્ર મોદી રામલલા માટે વસ્ત્ર અને ચંવર લઈને પહોંચ્યા હતા. રામ મંદિર પહોંચતાં પહેલાં તેમણે સાકેત કૉલેજથી રામજન્મભૂમિ સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ-શો પણ કર્યો હતો. આ દરમ્યાન સ્કૂલના વિદ્યાર્થીઓએ વડા પ્રધાનના કાફલા પર ફૂલો વરસાવ્યાં હતાં. અયોધ્યાનગરીને ૧૦૦૦ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ શું-શું કહ્યું?
સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો. ધર્મધ્વજ માત્ર ધ્વજ નથી પરંતુ ભારતીય સભ્યતાના પુનઃ જાગરણનું પ્રતીક છે. આવનારી સદીઓ સુધી આ ધ્વજ પ્રમુ રામના આદર્શોનો ઉદ્ઘોષ કરશે અને પ્રેરણા આપશે કે પ્રાણ જાએ પર વચન ન જાએ.
૧૯૦ વર્ષ પહેલાં ૧૮૩૫માં લૉર્ડ મકૉલી વખતે માનસિક ગુલામીનો પાયો નખાયો હતો. ૨૦૩૫માં એ અપવિત્ર ઘટનાને ૨૦૦ વર્ષ પૂરાં થશે. આપણે આવનારાં ૧૦ વર્ષમાં ભારતને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનું છે. મકૉલીએ જે વિચાર્યું હતું એનો પ્રભાવ વ્યાપક હતો. આપણામાં વિકાર આવી ગયો કે વિદેશી ચીજો સારી છે, આપણી ચીજોમાં ખોટ છે. દરેક ખૂણે ગુલામીની માનસિકતાએ અડ્ડો જમાવ્યો છે. નૌસેનાના ધ્વજ પર એવા પ્રતીક બન્યા હતા જેને આપણી વિરાસત સાથે કોઈ સંબંધ નહોતો. આપણે એક પછી એક દરેક ગુલામીના પ્રતીકને હટાવવાનું છે.
ધીમે-ધીમે શિખર તરફ આરોહણ કરી રહેલો ધ્વજ અને ઉપર જતા ધ્વજને વંદન કરી રહેલાં નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથ
આપણા રામ ભેદથી નહીં, ભાવથી જોડાય છે. તેમના માટે કુળ નહીં, ભક્તિ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે દેશની દરેક વ્યક્તિ સશક્ત હોય છે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌનો પ્રયાસ જોડાય છે. રામ એટલે આદર્શ, રામ એટલે મર્યાદા, રામ એટલે જીવનનું સર્વોચ્ચ ચરિત્ર, રામ એટલે ધર્મપથ પર ચાલનાર વ્યક્તિ, રામ એટલે જનતાના સુખને સર્વોપરી રાખનાર. જો સમાજને સામર્થ્યવાન બનાવવો હોય તો આપણા સૌની ભીતર રામની સ્થાપના કરવી પડશે.
પ્રાણ અર્પણ કરનારાઓનો આત્મા તૃપ્ત : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે ‘રામ મંદિર આંદોલનમાં જે લોકોએ પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા તેમનો આત્મા આજે તૃપ્ત થયો હશે. આજે ખરા અર્થમાં અશોકજીને શાંતિ મળી હશે. આપણે શાંતિનો પ્રસાર કરતા ભારતવર્ષને ઊભું કરવાનું છે. એ જ વિશ્વની અપેક્ષા છે.’